• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

‘એક દેશ, એક ચૂંટણી’ ચાલુ કાર્યકાળમાં જ લાગુ થશે : અમિત શાહ મોદી સરકારનાં 100 દિવસ પૂરા થવા નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રીનું મોટું એલાન

નવીદિલ્હી, તા.17: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનાં ત્રીજા કાર્યકાળમાં એક દેશ, એક ચૂંટણીની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે તેવી સંભાવના દેખાડતા અહેવાલોની આજે ગૃહ મંત્રી અમિત શાહે પણ પુષ્ટિ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવાના અવસરે પર એક પ્રેસ કોન્ફરન્સમાં સરકારની ઉપલબ્ધીઓની યાદી જાહેર કરી હતી. આ દરમિયાન અમિત શાહે મોટી જાહેરાત કરતા કહ્યું કે આ જ કાર્યકાળ દરમિયાન તેઓ એક દેશ, એક ચૂંટણીનો અમલ કરશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે પણ પોતાના ઘોષણાપત્રમાં આ ચૂંટણી વ્યવસ્થા માટે વચન આપ્યું હતું. તાજેતરમાં જ સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ પણ પોતાના ભાષણમાં એક દેશ, એક ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કાવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી જેણે પોતાનો રિપોર્ટ આપ્યો છે. આ જ કાર્યકાળ દરમિયાન એક દેશ, એક ચૂંટણી થશે.

હવે અમિત શાહે કહ્યું છે કે, 60 વર્ષ બાદ એક નેતા સતત ત્રીજી વખત વડાપ્રધાન બનીને દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. 60 વર્ષ બાદ દેશમાં રાજકીય સ્થિરતા આવી છે. છેલ્લા 10 વર્ષમાં દેશની બાહ્ય સુરક્ષા, દેશની આંતરિક સુરક્ષા અને મોદી સરકારે સુરક્ષિત ભારત બનાવવા માટે મોટી સફળતા હાંસલ કરી છે. ભારત સમગ્ર વિશ્વમાં ઉત્પાદનનું સૌથી પસંદગીનું કેન્દ્ર બની ગયું છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોઈ પણ દેશ તેની સ્થાનિક ભાષાઓને ખતમ કરીને વિકાસ કરી શકતો નથી. આપણી સંસ્કૃતિ, આપણો ઈતિહાસ અને આપણી પરંપરાઓ સ્થાનિક ભાષાઓ સાથે જોડાયેલી છે. જ્યાં સુધી સત્તાવાર ભાષાનો સવાલ છે, મેં સ્પષ્ટ કર્યું છે કે હિન્દીની કોઈપણ સ્થાનિક ભાષા સાથે કોઈ સ્પર્ધા નથી, રાજભાષા વિભાગ જ આવા પોર્ટલ સાથે આવશે જે બંધારણની આઠમી અનુસૂચિની તમામ ભાષાઓમાં તમામ લેખોનું ભાષાંતર કરશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક