ઉત્તરાખંડમાં હૃદયદ્રાવક બનાવ
: એમ્બ્યુલન્સ ચાલકોએ ભારે રકમ માગતા બહેન વિવશ
નવી દિલ્હી, તા. 9 : ઉત્તરાખંડમાંથી
માનવતાને શરમજનક સ્થિતિમાં મુકતો મામલો સામે આવ્યો છે. જેમાં એક ગરીબ યુવતી પાસે એમ્બ્યુલન્સના
પૈસા ન હોવાના કારણે ભાઈનો મૃતદેહ ટેક્સીની છત ઉપર બાંધીને પિથૌરાગઢ જિલ્લામાં આવેલા
પોતાના મૂળ ગામ સુધી લઈ જવો પડયો હતો. જો કે આ પૂરી ઘટના ઉપર સંજ્ઞાન લઈને મુખ્યમંત્રી
પુષ્કરસિંહ ધામીએ તપાસનો આદેશ આપ્યો છે. તેમજ જવાબદાર અધિકારી અને દોષિત સામે કાર્યવાહીનો
નિર્દેશ કર્યો છે.
પોલીસમાંથી મળેલી જાણકારી અનુંસાર
બેરીનાગમાં રહેનારી શિવાની (22વર્ષ), પોતાના નાના ભાઈ અભિષેક સાથે હલ્દવાનીની એક કંપનીમાં
કામ કરતી હતી. અભિષેકને બિમાર પડયો હતો અને કામેથી જલ્દી ઘરે આવ્યા બાદ રેલવે ટ્રેક
પાસે બેહોશ મળી આવ્યો હતો. તેને ઈલાજ માટે હોસ્પિટલે લઈ જવામાં આવતા તબીબોએ મૃત ઘોષિત
કરી દીધો હતો. પોસ્ટમોર્ટમ બાદ શનિવારે અભિષેકનો મૃતદેહ બહેનને સોંપી દેવાયો હતો. જો
કે મૃતદેહને પોતાના ગામ લઈ જવા માટે એમ્બ્યુલન્સ ચાલકોએ 10-12 હજાર રૂપિયા માગ્યા હતા.
એટલા પૈસા ન હોવાના કારણે અંતે એક ટેક્સીની ઉપર મૃતદેહ બાંધીને 195 કિમી દૂર પોતાના
ગામ સુધી લઈ
જવાયો હતો.