-
આકરા નિયમ લાવવાની તૈયારી
: સંસદમાં કેન્દ્રીય મંત્રીએ આપી જાણકારી
નવી
દિલ્હી, તા. 3 : બુધવારે સંસદમાં સોશિયલ મીડિયા ઉપર ફરતા એઆઈથી બનેલા ડીપફેક અને ફેક
ન્યૂઝનો મુદ્દો રજૂ થયો હતો. જેના ઉપર કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની
વૈષ્ણવે લોકસભાને કહ્યું હતું કે સોશિયલ મીડિયા અને ફેક ન્યૂઝનો મુદ્દો ખુબ જ ગંભીર
છે. ફેક ન્યૂઝ ભારતના લોકતંત્ર માટે જોખમ પેદા કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ,
ખોટી જાણકારી અને એઆઈથી તૈયાર ડીપફેક ઉપર આકરી કાર્યવાહીની જરૂરીયાત છે.
અશ્વિની
વૈષ્ણવે કહ્યું હતું કે સોશિયલ મીડિયાના ઉપયોગની રીતથી અમુક એવી ઈકોસિસ્ટમ બની છે જે
ભારતના સંવિધાનનું પાલન કરવા અથવા સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાનું પાલન કરવામાં
ઈચ્છુક લાગતા નથી. જેના ઉપર આકરી કાર્યવાહી અને વધારે મજબુત નિયમ બનાવવાની ત્વરીત જરૂરિયાત
ઉપર ભાર મુક્યો હતો.
સંસદમાં
એક સવાલના જવાબમાં વૈષ્ણવે કહ્યું હતું કે, હાલમાં જ નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે.
જેમાં 36 કલાકની અંદર વિવાદાસ્પદ સામગ્રી હટાવવાની વ્યવસ્થા સામેલ છે. એઆઈથી બનેલા
ડીપફેકની ઓળખ કરીને તેના ઉપર જરૂરી કાર્યવાહી માટે એક ડ્રાફ્ટ નિયમ પણ જારી કરવામાં
આવ્યો છે અને તેના ઉપર વિચાર કરવામાં આવી રહ્યા છે. જેનાં ઉપર આગળ કાર્યવાહી કરીને
નિયમ બનાવવામાં આવશે અને પછી સોશિયલ મિડિયા મુદ્દે અમલવારી થઈ શકશે.