-અંતિમ
સમયે ટિકિટ બુકિંગમાં દુરુપયોગ રોકવા અને યાત્રીઓને વધારે સુવિધા આપવા તમામ ટ્રેનોમાં
લાગુ થશે નિર્ણય
નવી દિલ્હી, તા. 3 : રેલવે રિઝર્વેશન કાઉન્ટરથી તત્કાળ ટ્રેન ટિકિટ બુક કરવા માટે યાત્રીઓએ પોતાના મોબાઇલ ફોન ઉપર આવતો ઓટીપી બતાવવો પડશે. આ કદમનો હેતુ અંતિમ સમયે ટિકિટ બુકિંગ સુવિધાના દુરુપયોગને રોકવાનો છે.અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. રેલવે મંત્રાલયે 17 નવેમ્બરથી પરીક્ષણના આધારે રિઝર્વેશન કાઉનટરથી બુક ટિકિટ માટે ઓટીપી આધારિત તત્કાળ ટિકિટ પ્રણાલી શરૂ કરી છે. જેની શરૂઆત અમુક ટ્રેનથી થઈ હતી અને બાદમાં સંખ્યા વધીને 52 કરી દેવામાં આવી હતી.
મંત્રાલય
તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આગામી અમુક દિવસમાં કાઉન્ટરથી ટિકિટ માટે
આ અનામત પ્રણાલી બાકીની તમામ ટ્રેન માટે શરૂ કરી દેવામાં આવશે. જેના અનુસાર ઓટીપી આધારિત
સુવિધા અંતિમ સમયે બુકિંગને વધારે સુવિધાજનક બનાવવા માટે છે. મંત્રાલયે કહ્યું હતું
કે, પ્રણાલી હેઠળ રિઝર્વેશન કાઉન્ટર ઉપર તત્કાળ ટિકિટ માટે ફોર્મમાં આપેલા મોબાઇલ નંબર
ઉપર યાત્રીને એક ઓટીપી મળે છે. ઓટીપીની ખરાઈ કર્યા બાદ જ ટિકિટની પુષ્ટિ કરવામાં આવે
છે.
અધિકારીઓ
અનુસાર ઓટીપી આધારિત સુવિધા વ્યવસ્થામાં પારદર્શકતા, યાત્રી સુવિધા અને સુરક્ષા વધારવાની
દિશામાં મહત્ત્વનું પગલું છે. આ અગાઉ જુલાઈમાં રેલવે મંત્રાલયે દેશભરમાં તત્કાળ પ્રણાલી
હેઠળ ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે ઓટીપી મારફતે આધારની ખરાઈ અનિવાર્ય કરી હતી.