સુરત,
તા.3: સુરત મનપાના ચોથા વર્ગના એક કર્મચારીએ વ્યાજખોરોના ત્રાસથી ગળાફાંસો ખાઈ જીવન
ટુંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે.
મળતી
માહિતી મુજબ મુળ મહારાષ્ટ્રના વતની અને હાલ સુરતના અમરોલી વિસ્તારમાં વિનોદ જાવડે (ઉં.40)
પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને બે પુત્ર છે. વિનોદ જાવડે સુરત મનપાના
ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન વિનોદને
છેલ્લા કેટલાક સમયથી દેણું થઈ જતા ખુબ જ તણાવમાં રહેતો હતો અને વ્યાજખોરો તેણે સતત
ફોન કરીને માનસિક ત્રાસ આપતા હોવાથી તેણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ
અંગે જાણ થતા જ અમરોલી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ
અર્થે ખસેડયો હતો. મૃતક વિનોદે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાનું પરિવારે
આક્ષેપો કરી તેઓ વિરુદ્ધ કડક પગલા લેવાની માગ કરી છે. આ અંગે અમરોલી પોલીસે આ મામલે
ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.