• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

અમદાવાદ એરપોર્ટ પરથી 8.9 કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો

બેંગકોકથી આવેલો મુસાફર શંકાસ્પદ લાગતા બેગની તપાસ કરતા 14 પેકેટ મળી આવ્યા હતા 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.21: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી આશરે 8.913 કિલો હાઈડ્રોપોનિક ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. થાઈ એરવેઝની ફ્લાઈટ દ્વારા બેંગકોકથી અમદાવાદ આવેલા આ મુસાફરની શંકાસ્પદ હિલચાલના આધારે તેની બેગની સઘન તપાસ કરવામાં આવતા અંદરથી એરટાઈટ 14 પેકેટ મળી આવ્યા હતા. કસ્ટમ્સ વિભાગની પ્રાથમિક તપાસમાં આ પદાર્થ આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 8.9 કરોડ રૂપિયાની કિંમતનો હોવાનું ખુલ્યું છે અને એનડીપીએસ ફિલ્ડ ટેસ્ટિગ કિટ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી હતી.

આ કેસમાં પકડાયેલા અને કસ્ટમ્સ દ્વારા એનડીપીએસ કાયદા હેઠળ અટકાયત કરાયેલો મુસાફર મુંબઈનો રહેવાસી છે. આરોપીએ કપડાંની વચ્ચે આ પ્રતિબંધિત પદાર્થના પેકેટ છુપાવીને દાણચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ કસ્ટમ્સ વિભાગ દ્વારા આ ગાંજાનો જથ્થો છૂટક વેચાણ માટે લાવવામાં આવ્યો હતો કે અન્ય કોઈને પહોંચાડવાનો હતો, તેમજ આ રેકેટમાં તેની સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલું છે તે અંગેની સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક