નવી દિલ્હી, તા. 21 : ટ્રેનની ટિકિટ લઈને મુસાફરી શરૂ કરનાર મુસાફર માટે વિલંબનો અર્થ માત્ર થોડી મિનિટો કે કલાકોની રાહ જોવી જ નથી હોતો. ઘણીવાર તેના કારણે આગળનું આખું આયોજન ખોરવાઈ જાય છે, જરૂરી કામો ચૂકી જવાય છે અને કલાકો સુધી સ્ટેશન કે ટ્રેનમાં જ સમય વીતાવવો પડે છે.
જો આવો વિલંબ ખૂબ લાંબો હોય અને
રેલવે તેનું નક્કર કારણ પણ ન આપી શકે, તો શું મુસાફર વળતરની માંગ કરી શકે છે? ઝારખંડના
એક કેસમાં કન્ઝ્યુમર કમિશનના ચુકાદાએ આ સવાલને ફરી ચર્ચામાં લાવી દીધો છે.
આ મામલો 23 સપ્ટેમ્બર, 2024નો
છે. સંજય કુમારે ટાટાનગરથી સંબલપુર જવા માટે ‘12871 ઇસ્પાત એક્સપ્રેસ’માં બે સ્લીપર
ટિકિટ બૂક કરાવી હતી. ટ્રેનને સવારે 10:18 વાગ્યે ટાટાનગરથી રવાના થવાનું હતું અને
તે જ દિવસે સાંજે 3:50 વાગ્યે સંબલપુર પહોંચવાનું હતું, પરંતુ ટ્રેન નિયત સમયે ગંતવ્ય
સ્થાને પહોંચી ન હતી. સંબલપુર પહોંચવામાં તેને 528 મિનિટ એટલે કે લગભગ 9 કલાકનો વિલંબ
થયો હતો. આ લાંબા વિલંબ બાદ મુસાફરે રેલવે સામે કાનૂની કાર્યવાહીનો રસ્તો અપનાવ્યો
છે.
સંજય કુમારનું કહેવું હતું કે,
ટ્રેનના આટલા લાંબા વિલંબને કારણે તેમને શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો
કરવો પડ્યો હતો. તેમણે 8 ઓક્ટોબર, 2024ના સાઉથ ઈસ્ટર્ન રેલવેના સિનિયર ડિવિઝનલ ઓપરેશન્સ
મેનેજરને લીગલ નોટિસ મોકલી હતી.