મુંબઈ,
તા.14 : દુલિપ ટ્રોફી માટેની ચાર ટીમ બીસીસીઆઇએ જાહેર કરી છે. દરેક ટીમમાં 16-16 ખેલાડી
છે, પણ તેમાં રવીન્દ્ર જાડેજા સિવાયના એક પણ સૌરાષ્ટ્રના ખેલાડીને પસંદ કરવામાં આવ્યો
નથી. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટ અને ટેસ્ટ ટીમની બહાર થઈ ગયેલા ચેતેશ્વર પુજારા
પણ નજરઅંદાજ થયા છે. શુભમન ગિલ, અભિમન્યૂ ઇશ્વરન, ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યર
ક્રમશ: ઇન્ડિયા એ, બી, સી અને ડી ટીમની કપ્તાની સંભાળશે. રેડ બોલથી રમાનાર આ ડોમેસ્ટિક
ટૂર્નામેન્ટનો ફાઇનલ મેચ તા. 22 સપ્ટેમ્બરથી રમાશે. ભારતીય કપ્તાન રોહિત શર્મા, વિરાટ
કોહલી, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડયા સહિતના કેટલાક સ્ટાર ખેલાડી દુલિપ ટ્રોફીમાં
રમશે નહીં. ખાસ વાત એ છે કે ભારતીય ટેસ્ટ ટીમની કપ્તાની કરી ચૂકેલ કેએલ રાહુલ દુલિપ
ટ્રોફીમાં શુભમન ગિલની આગેવાનીમાં ઇન્ડિયા એ ટીમમાં રમશે જ્યારે ટી-20 કેપ્ટન સૂર્યકુમાર
યાદવ ઋતુરાજ ગાયકવાડના સુકાનીપદ હેઠળ સી ટીમમાં રમશે. રવીન્દ્ર જાડેજા ઇન્ડિયા બી ટીમમાં
સામેલ છે.