• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ટ્રેવિસ હેડની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાને મળી પહેલી હાર

બીજા T-20 મેચમાં ઈંગ્લેન્ડે લિવિંગસ્ટોનની દમદાર બેટિંગથી મેળવી જીત : આજે રમાશે નિર્ણાયક T-20 મુકાબલો

નવી દિલ્હી, તા. 14 : ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચની ટી20 શ્રેણીના બીજા મુકાબલામાં ત્રણ વિકેટે હરાવીને શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. મેજબાન ટીમની આ જીતનો હીરો વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન રહ્યો હતો. જેણે ઓસ્ટ્રેલિયા દ્વારા મળેલા 194 રનના ટાર્ગેટનો પીછો કરતા 47 બોલમાં છ ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 87 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ઉપરાંત બોલિંગમાં બે વિકેટ પણ લીધી હતી. લિવિંગસ્ટોનને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. ઈંગ્લેન્ડે ટાર્ગેટને છ બોલ અને ત્રણ વિકેટ બાકી રહેતા ચેઝ કરી લીધો હતો. હવે આવતીકાલે રવિવારે ત્રીજો અને નિર્ણાયક ટી20 મેચ રમાશે.

બીજા ટી20માં મિચેલ માર્શ બહાર થયા ટ્રેવિસ હેડે પહેલી વખત ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ કરી હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી મહેમાન ટીમે નિર્ધારીત 20 ઓવરમાં છ વિકેટના નુકસાને 193 રન કર્યા હતા. શર્માની જગ્યાએ ટીમમાં સમાવેશલ જેક ફ્રેઝરે પહેલી ટી20 અર્ધસદી કરી હતી અને 31 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 50 રનની ઈનિંગ રમી હતી.આ ઉપરાંત જોશ ઈંગ્લિસે 42 અને ટ્રેવિસ હેડે 14 બોલમાં 31 રન કર્યા હતા.

194 રનના લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લિશ ટીમની શરૂઆત ઠીક રહી હતી. વિલ જેક્સ અને જોર્ડન કોક્સ ચોથી ઓવરમાં આઉટ થયા બાદ કેપ્ટન ફિલિપ સાલ્ટ (39)એ લિયામ લિવિંસ્ટોન સાથે મળીને બાજી સંભાળી હતી. સોલ્ટ આઉટ થયા બાદ ઉતરેલા જેકબ બેથેલે દમદાર બેટિંગ કરી હતી. જેકબે લિવિંગસ્ટોનનો સાથ આપતા 24 બોલમાં 44 રન કર્યા હતા. મેથ્યુ શોર્ટના પાંચ વિકેટ હોલે મેજબાનોને થોડો સમય મુશ્કેલીમાં મુક્યા હતા પણ અંતે ઈંગ્લેન્ડની ટીમે જીત મેળવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક