પલટવાર
માટે જાણીતી ન્યુઝીલેન્ડ ટીમથી સૂર્યાબ્રિગેડે સાવધ રહેવું પડશે
રાયપુર,
તા.22: પ્રથમ મેચમાં બેટ અને બોલથી શાનદાર દેખાવ કર્યાં બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત
ટીમ ઇન્ડિયા શુક્રવારે રાયપુરમાં રમાનાર બીજા ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડ ટીમને સતત બીજી
હાર આપવાના લક્ષ્ય સાથે ઉતરશે. વર્લ્ડ કપ નજીક છે. આ સ્થિતિમાં કોચ ગૌતમ ગંભીર ભારતીય
પ્લેઇંગ ઇલેવનમાં કોઇ પ્રયોગ ઈચ્છશે નહીં. સંજૂ સેમસન અને ઇશાન કિશનની નિષ્ફળતા છતાં
બન્નેને વધુ મોકા મળવા નિશ્ચિત છે. બીજી તરફ કિવિઝ ટીમ પલટવાર માટે જાણીતી છે. તેણે
વન ડે શ્રેણીમાં 0-1થી પાછળ રહ્યા બાદ 2-1થી શ્રેણી કબજે કરી હતી. ટી-20 શ્રેણી પ મેચની
છે. આથી મિચેલ સેંટનરની ટીમ પાસે વાપસીનો મોકો છે.
આવતીકાલે
રમાનાર બીજા ટી-20 મેચમાં પણ ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવ સ્કેનર પર રહેશે. તેણે
પહેલા મેચમાં 22 દડામાં 32 રન કર્યા હતા, પણ જો કે તે એક મોટી ઇનિંગની શોધ હજુ પૂરી
કરી શક્યો નથી. નાગપુરની જેમ રાયપુરની પીચ પણ બેટધરોને મદદગાર છે. આથી સૂર્યકુમાર પાસે
ફોર્મ વાપસીનો મોકો બની રહેશે જ્યારે ટીમમાં વાપસી કરનાર સેમસન અને ઇશાન પાસેથી ટીમને
સારા દેખાવની અપેક્ષા રહેશે.
પહેલા
મેચની 48 રનની હાર બાદ કિવિઝ કપ્તાન મિચેલ સેંટનર સ્વીકારી ચૂક્યો છે કે અમારે પાવર
પ્લેમાં અભિષેક શર્માને કાબુમાં રાખવો પડશે. આ માટે અમે જરૂરી રણનીતિ બનાવી રહ્યા છે.
કિવિઝ ઇલેવનમાં પણ ફેરફારની સંભવાના નહીંવત છે. ખરાબ ફોર્મ છતાં ડવેન કોન્વે ઇલેવનમાં
ટકી રહેશે તેવું માનવામાં આવે છે. મેચ શુક્રવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.