• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ભર શિયાળે કચ્છ અને ઉતર ગુજરાતમાં વીજળી સાથે માવઠાની શક્યતા

-વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ : માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના

રાજકોટ, અમદાવાદ, તા.22: હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. રાત્રે અને વહેલી સવારે ઠંડી તો બપોરે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી બેથી ચાર દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની વકી છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેના પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આજે જારી કરવામાં આવેલા એલર્ટ અનુસાર પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ની અસરને કારણે વાતાવરણમાં આ બદલાવ જોવા મળી રહ્યો છે. જેના પગલે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ થઇ શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે હળવું માવઠું કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં થઇ શકે છે. જેના પગલે આ જિલ્લાઓ માટે ’યલો એલર્ટ’ જાહેર કર્યું છે. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે. વરસાદ ઉપરાંત ઠંડી અંગે પણ આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે અને આવનારા બે દિવસ સુધી તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે. વાતાવરણમાં થનારા ફેરફાર અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

પોરંબદર : જિલ્લામાં તા.25મી સુધી કમોસમી વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ અને વધતા ભેજના કારણે ખેતીપાકોમાં ખાસ કરીને આંબા, ધાણા, જીરુ તથા શાકભાજીના પાકોમાં ફુગજન્ય રોગો અને જીવાતના ઉપદ્રવનો ખતરો વધ્યો છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને સમયસર યોગ્ય તકેદારી રાખી પાક બચાવવા માટે જરૂરી પગલા લેવા કૃષિ નિષ્ણાતો દ્વારા સૂચના આપવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક