• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

જમ્મુમાં સેનાની ગાડી ખીણમાં ખાબકી : 10 જવાનનાં મૃત્યુ

-ઈજાગ્રસ્ત 11 જવાનને એરલિફ્ટ કરીને ઉધમપુરમાં સેનાની હોસ્પિટલમાં દાખલ કરાયા : પીએમ મોદી, રાજનાથ સિંહે દુ:ખ વ્યક્ત કર્યું

 

શ્રીનગર, તા. 22 : જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં એક ગંભીર સડક દુર્ઘટના બની હતી. જેમાં સેનાના 10 જવાન બલિદાન થયા છે તેમજ 11ને ઈજા પહોંચી હતી. દુર્ઘટના ભદ્રવાહ-ચંબા માર્ગ ઉપર ખન્ની ટોપ પાસે બની હતી. સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે જવાનોની ટીમ ગુરુવારે સવારે એક ઓપરેશનલ ડયૂટી માટે રવાના થઈ હતી. આ દરમિયાન ખન્ની ટોપ પાસે દુર્ગમ અને તિક્ષ્ણ વળાંકે વાહન અનિયંત્રિત થયું હતું અને અંદાજિત 400 ફૂટ નીચે ખીણમાં પડયું હતું. વાહનમાં કુલ 20 જવાન સવાર હતા.

દુર્ઘટનાની માહિતી મળતા જ સેના, પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આકરી ભૌગોલિક પરિસ્થિતિ છતાં પણ રાહત અને બચાવ કાર્ય ચલાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ જાણકારી આપી હતી કે સ્થળ ઉપર જ 10 જવાને જીવ ગુમાવ્યો હતો જ્યારે 10 જવાન ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યા હતા. જેઓને પહેલા ઉપજિલ્લા હોસ્પિટલ ભદ્રવાહ લઈ જવામાં આવ્યા હતા.

ભદ્રવાહની હોસ્પિટલમાંથી ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને જવાનોને વિશેષ ઉપચાર માટે એરલિફ્ટ કરી ઉધમપુર સ્થિત સેના કમાન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા. દુર્ઘટના અંગે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજસિન્હાએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ મારફતે કહ્યું હતું કે, ડોડામાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ સડક અકસ્માતમાં 10 વીર જવાનોએ જીવ ગુમાવ્યો છે. તેઓ આ બનાવથી ખૂબ દુ:ખી છે. જવાનોની ઉત્કૃષ્ટ સેવા અને સર્વોચ્ચ બલિદાનને હંમેશાં યાદ રાખવામાં આવશે. પૂરો દેશ આ સમયે શોકાકુળ પરિવાર સાથે એકજૂથતાથી સાથે છે.

બનાવ બાદ સેના તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે દુર્ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ઘાયલ જવાનોને યોગ્ય ઈલાજ આપવામાં આવી રહ્યો છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા જવાનોના પરિવારોને સૂચના પહોંચાડી દેવામાં આવી છે.

દુર્ઘટના અંગે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ, કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ દુ:ખી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક