-
સારંડાના દુર્ગમ વિસ્તારમાં
થયું ભીષણ એન્કાઉન્ટર : સ્થળ ઉપરથી હથિયારો
બરામદ, વિસ્તારમાં હાઈ એલર્ટ
ચાઈબાસા, તા. 22 : ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના નક્સલ પ્રભાવિત સારંડા જંગલમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. કિરીબુરુ અને છોટાનાગરાના કુમડી વિસ્તારમાં થયેલી કાર્યવાહીમાં એક કરોડના ઈનામી સહિત કુલ 16 નક્સલવાદી ઠાર થયાના અહેવાલ સામે આવ્યા છે. કોલ્હાન ડીઆઈજી અનુરંજન કિસ્પોટ્ટાએ
એન્કાઉન્ટરની
પુષ્ટિ કરતા કહ્યું હતું કે વધારે માહિતી અને મૃતકોની યાદી એકત્રિત કરવામાં આવી રહી
છે.
એન્કાઉન્ટરમાં
સેન્ટ્રલ કમિટિ મેમ્બર અનલ ઉર્ફે તુફાન સહિત 16 નક્સલવાદી ઢેર થયા છે. ઘણા નક્સલીના
મૃતદેહ બરામદ કરવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં કોબરાની 203, 205, 209 અને સીઆરપીએફની
બટાલિયનના જવાનો સામેલ થયા હતા. તેમજ વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું
છે. જરાયકેલાના સમાઠા વિસ્તારમાં પણ એક નક્સલી ઠાર થયાના અહેવાલ સામે આવ્યા હતા. આ
ઓપરેશન કેન્દ્ર સરકારના 2026 સુધી દેશને નક્સલ મુક્ત કરવાના લક્ષ્ય હેઠળ ચલાવવામાં
આવ્યું હતું. સુરક્ષા દળોએ ગુપ્ત સુચનાના આધારે સારંડાના દુર્ગમ વિસ્તારમાં ઘેરાબંધી
કરી હતી.
આ ઓપેરશનમાં
એક કરોડ રૂપિયાના ઈનામી કુખ્યાત અનલને ઢેર કરવામાં આવ્યો છે. અનલના અન્ય ઘણા નામ હતા.
જેમાં તુફાન, પતિરામ માંઝી, મતિરામ મરાન્ડી, રમેશ વગેરે સામેલ છે. તે લાંબા સમયથી સારંડા અને ગિરિડીહના જંગલમાં સક્રિય હતો. તેના
ઉપર હત્યા, બ્લાસ્ટ, લૂંટ સહિતના ગંભીર આરોપ હતા. આ એન્કાઉન્ટરને સુરક્ષા દળોની મોટી
સફળતા માનવામાં આવી રહ્યું છે કારણ કે અનલ લાંબા સમયથી મોસ્ટ વોન્ટેડ હતો અને તેના
નેટવર્કના અન્ય ઘણા નક્સલી ખુબ સક્રિય ગણવામાં આવે છે.