• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

સાવધાન ! વર્ષમાં પાંચ વખત ટ્રાફિક નિયમ તોડયા તો લાયસન્સ રદ

કેન્દ્ર સરકારે સડક ઉપર બેદરકારી ઘટાડવા કર્યું નિયમોમાં સંશોધન : નવા વર્ષે નિયમ ભંગની નવેસરથી ગણતરી થશે : 1 જાન્યુઆરીથી અમલવારી શરૂ

 નવી દિલ્હી, તા. 22 : સડક ઉપર વારંવાર બેદરકારી બતાવનારા ચાલકો ઉપર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. સડક પરિવહન મંત્રાલયે મોટર વાહન નિયમ (મોટર વ્હીકલ રુલ્સ)માં એક નવું સંશોધન કર્યું છે. જેના મુજબ હવે કોઈ ચાલક એક વર્ષમાં પાંચ કે તેનાથી વધારે વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરશે તો તેનું ડ્રાઈવિંગ લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ અથવા તો રદ કરી દેવામાં આવશે. નવા નિયમની અમલવારી પહેલી જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવી છે.

મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર નવો નિયમ 1 જાન્યુઆરી 2026થી પ્રભાવી માનવામાં આવશે. જેના અનુસાર લાયસન્સ રદ કરવાનો અધિકાર ક્ષેત્રીય પરિવહન કાર્યાલય (આરટીઓ) અથવા તો જીલ્લા પરિવહન અધિકારી પાસે હશે. લાયસન્સ રદ કરતા પહેલા સંબંધિત અધિકારીએ લાયસન્સ ધારકનો પક્ષ સાંભળવો અનિવાર્ય રહેશે. વધુમાં ગયા વર્ષના અપરાધને આગામી વર્ષમાં જોડવામા આવશે નહીં. એટલે કે દર વર્ષે ટ્રાફિક નિયમો તોડવાના અપરાધની નવેસરની ગણતરી કરવામાં આવશે.

અત્યારસુધી માત્ર 24 ગંભીર મામલા (જેમ કે ગાડીની ચોરી, તેજ રફતાર કે ઓવરલોડિંગ)માં જ લાયસન્સ રદ કરવાની જોગવાઈ હતી. જો કે નવા નિયમ બાદ હવે હેલમેટ ન પહેરવી, સીટ બેલ્ટ ન બાંધવો અને સિગ્નલ તોડવા જેવા નિયમોને પાંચ વખત તોડવાથી પણ લાયસન્સ રદ થઈ શકે છે.

મંત્રાલય દ્વારા ચલણની પ્રક્રિયાને સ્પષ્ટ કરવામાં આવી છે. જેમાં યુનિફોર્મ ધારક પોલીસ અધિકારી અથવા તો અધિકૃત અધિકારી

ચલણ જારી કરી શકશે. સીસીટીવી મારફતે ઓટો જનરેટેડ ઈ ચલણ પણ મોકલી શકાશે. ચાલકે 45 દિવસની અંદર ચલણ ભરવું પડશે અથવા તો ચલણને અદાલતમાં પડકારવું પડશે. જો 45 દિવસ સુધી કોઈ કાર્યવાહી ન થઈ તો માનવામાં આવશે કે ચાલકે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.

ઇ-પેપરના નવા શુલ્ક