ઉનડકટના નેતૃત્વમાં બે વખતના ચેમ્પિયન નવી શરૂઆત માટે સજ્જ
રાજકોટ, તા.9ઃ ભારતની જાણીતી ફર્સ્ટ-ક્લાસ ઘરેલુ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીની 92મી આવૃત્તિનો પ્રારંભ 11 ઓક્ટોબરથી થઈ રહ્યો છે. ત્યારે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે છત્તીસગઢ સામે રમાનારા પ્રારંભિક મુકાબલા માટે જાહેર કરાયેલી 16 સભ્યોની ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમના સુકાનીપદે અનુભવી ડાબોડી ઝડપી બોલર જયદેવ ઉનડકટને જાળવી રાખવામાં આવ્યા છે. ગત સિઝનમાં ગ્રૂપ તબક્કામાંથી જ આશ્ચર્યજનક રીતે બહાર થઈ ગયેલી સૌરાષ્ટ્રની ટીમ આ વખતે નવા જોશ સાથે મેદાનમાં ઉતરશે.
તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણીમાં ભારતની 2-1થી જીત બાદ રવીન્દ્ર જાડેજા સૌરાષ્ટ્રની છાવણીમાં જોડાયા છે. કેરેબિયન ટીમ સામેની બે વન-ડે મેચોમાં તેમણે બે વિકેટ ઝડપી હતી, જોકે તેમને બાટિંગ કરવાની તક મળી નહોતી. આગામી નવેમ્બર મહિનામાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચ રમશે. જે માટે મેચ પ્રેક્ટિસ મેળવવાના હેતુથી જાડેજા માટે આ રણજી મેચ અત્યંત ઉપયોગી સાબિત થશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 19થી 23 નવેમ્બર દરમિયાન વાલિંગ્ટનમાં અને બીજી ટેસ્ટ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન ક્રાઈસ્ટચર્ચમાં રમાવાની છે.
સૌરાષ્ટ્રને વર્ષ 2019-20 અને 2022-23માં રણજી ચેમ્પિયન બનાવનાર કેપ્ટન જયદેવ ઉનડકટ તાજેતરમાં ઇંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સસેક્સ તરફથી શાનદાર પ્રદર્શન કરીને સ્વદેશ પરત ફર્યા છે. તેમણે કાઉન્ટી સિઝનની 7 મેચોમાં 22.21ની ચુસ્ત સરેરાશથી 28 વિકેટ ઝડપી હતી, જેમાં હેમ્પશાયર સામે 32 રનમાં 5 વિકેટનો સ્પેલ પણ સામેલ હતો. તેઓ ચેતન સાકરિયા સાથે મળીને સૌરાષ્ટ્રના પેસ આક્રમણની આગેવાની કરશે.