• મંગળવાર, 28 નવેમ્બર, 2023

ટીમ ઇન્ડિયાને આંચકો આપી ઓસ્ટ્રેલિયા છઠ્ઠીવાર વિશ્વ વિજેતા

ખિતાબી ટક્કરમાં ટીમ ઇન્ડિયાની શરણાગતિ: દબદબા સાથે ઓસ્ટ્રેલિયાનો 6 વિકેટે ઐતિહાસિક વિજય

અમદાવાદ તા.19: ટીમ ઇન્ડિયા ફાઇનલ બેટલમાં મિશન ઓસ્ટ્રેલિયા ફતેહ કરવામાં નિષ્ફળ રહી હતી. વર્લ્ડ કપ-2023ના ફાઇનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે આંચકારૂપ પરાજય થયો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ વિક્રમી છઠ્ઠીવાર વિશ્વ વિજેતા બની હતી. ફાઇનલ ટકકરમાં પહેલા બોલિંગ-ફિલ્ડીંગ અને બાદમાં બેટિંગથી ચડિયાતો દેખાવ કરીને ઓસ્ટ્રેલિયાએ સંપૂર્ણ દબદબા સાથે 6 વિકેટે ઐતિહાસિક વિજય હાંસલ કર્યોં હતો. પ્લેયર ઓફ ધ મેચ ટ્રેવિસ હેડની 137 રનની આક્રમક અને યાદગાર સદીએ ઓસ્ટ્રેલિયાએ 241 રનનો સામાન્ય વિજય લક્ષ્યાંક 42 દડા બાકી રાખીને 43 ઓવરમાં 6 વિકેટે સર કરી લીધો હતો. ટૂર્નામેન્ટમાં 76પ રન કરનાર ભારતીય સ્ટાર વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ વર્લ્ડ કપ જાહેર થયો હતો. વિજેતા કાંગારૂ કપ્તાન પેટ કમિન્સને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્લ્ડ કપ ટ્રોફી અર્પણ થઇ હતી.

241 રનના વિજય લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાએ એક તબકકે બુમરાહ-શમીની કાતિલ બોલિંગ સામે 7 ઓવરમાં 47 રનમાં વોર્નર (7), માર્શ (1પ) અને સ્મિથ(4)ની વિકેટ ગુમાવી દીધી હતી. દબાણની આ સ્થિતિમાં ડાબોડી ઓપનર ટ્રેવિસ હેડે અમદાવાદની ધીમી પિચ પર ભારતીય બોલરોને હંફાવીને 120 દડામાં 1પ ચોકકા-4 છકકાથી 137 રનની વિજયી ઇનિંગ રમીને સદી ફટકારી હતી. તેના અને લાબુશેન વચ્ચે ચોથી વિકેટમાં 21પ દડામાં 192 રનની ભાગીદારી થઇ હતી. ઓસ્ટ્રેલિયાને જીત માટે જયારે ફકત બે રનની જરૂર હતી ત્યારે હેડ આઉટ થયો હતો. મેકસવેલે પહેલા જ દડે બે રન કરી ઓસ્ટ્રેલિયા માટે વિનિંગ શોર્ટ માર્યોં હતો. લાબુશેન 110 દડામાં 4 ચોકકાથી પ8 રને નોટઆઉટ રહ્યો હતો. ભારત તરફથી બુમરાહે 2 અને શમી-સિરાજે 1-1 વિકેટ લીધી હતી. સ્પિન જોડી કુલદિપ-રવીન્દ્ર નિષ્ફળ રહ્યા હતા.

241 રનના વિજય લક્ષ્યાંકનો ફાઇનલ મેચમાં પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત કંગાળ રહી હતી. બુમરાહ અને શમીની કાતિલ બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાએ 47 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ડેન્જર ડેવિડ વોર્નર ઇનિંગની બીજી ઓવરમાં શમીના દડામાં સ્લીપમાં કોહલીને કેચ આપીને 7 રને આઉટ થયો હતો. આ પછી ખતરનાક મિચેલ માર્શને 1પ રને બુમરાહે શિકાર બનાવ્યો હતો. માર્શ વિકેટ પાછળ રાહુલને કેચ આપી આઉટ થયો હતો. જયારે સ્ટાર સ્ટીવન સ્મિથ બુમરાહના બોલમાં 4 રને એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો. જો કે તેણે ડીઆરએસ લીધો હોત તો બચી જવાની સ્થિતિમાં હતો. 47 રનમાં 3 વિકેટ ગુમાવી દેતા ઓસ્ટ્રેલિયા પર ભીંસ વધી હતી, પણ ઓપનર ટ્રેવિસ હેડ અને માનર્સ લાબુશેને ભારતીય બોલિંગનો મકકમતાથી સામનો કરીને ઓસ્ટ્રેલિયાની જીતની રાહ તૈયાર કરી હતી. બન્નેએ 192 રનની ભાગીદારી કરીને ભારતના હાથમાંથી ફાઇનલ મુકાબલો રીતસરનો છીનવી લીધો હતો અને ઓસ્ટ્રેલિયા આ સાથે રેકોર્ડ છઠ્ઠી વખત વિશ્વ વિજેતા બન્યું હતું.

પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન અને મોટા મેચની માહિર ઓસ્ટ્રેલિયાની જબરદસ્ત બોલિંગ અને અદભૂત ફિલ્ડીંગ સામે વર્તમાન વિશ્વ કપની અત્યાર સુધીની અજેય ભારતીય ટીમ પ0 ઓવરના અંતે 240 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી ઓસ્ટ્રેલિયાને વિશ્વ વિજેતા બનવા માટે 241 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો. એક તબકકે ભારતના 3 વિકેટે 148 રન હતા અને મેચમાં વાપસી કરી લીધી હતી, પણ સ્ટાર વિરાટ કોહલી (પ4)ની વિકેટ બાદ ઓસ્ટ્રેલિયાએ ભારત પર ભીંસ વધારી હતી. ભારતે આખરી 7 વિકેટ 92 રનમાં ગુમાવી હતી. કેએલ રાહુલે એક છેડો સાચવીને 107 દડામાં 1 ચોકકાથી 66 રનની મહત્વની ઇનિંગ રમી હતી. જયારે કોહલી અર્ધસદી કરી પ4 રને આઉટ થયો હતો. કપ્તાન રોહિત શર્માએ આક્રમક અંદાજમાં 47 રન બનાવ્યા હતા. પીંચહિટર સૂર્યકુમાર યાદવે ફરી એકવાર નિરાશ કર્યાં હતા. ડેથ ઓવર્સમાં તે આક્રમક ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો અને 48મી ઓવરમાં 28 દડામાં 1 ચોકકાથી 18 રને હેઝલવૂડના સ્લો બાઉન્સરમાં આઉટ થયો હતો.

જયારે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 3 વિકેટ પપ રનમાં લીધી હતી. હેઝલવૂડ અને કાંગારૂ કપ્તાન કમિન્સે 2-2 વિકેટ લીધી હતી. સ્પિનર એડમ ઝમ્પા અને ગ્લેન મેકસવેલને 1-1 વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયન ફિલ્ડરોએ ફાઇનલમાં ગજબની ફિલ્ડીંગ કરી હતી અને ઓછામાં ઓછા 30 રનનો બચાવ કર્યોં હતો.

ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના કપ્તાન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો. તેનો આ નિર્ણય બુમરેંગ સાબિત થશે તેવી ગણતરી થઇ રહી હતી, પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ધીમી પિચ પર કાંગારૂ બોલરો ફાઇનલના પ્રારંભે સફળ રહ્યા હતા. વન ડે ક્રમાંકનો નંબર વન બેટર શુભમન ગિલ ફકત 4 રને સ્ટાર્કની બોલિંગમાં ઝમ્પાને કેચ આપી આઉટ થયો હતો. આ દરમિયાન કપ્તાન રોહિત શર્માએ તેના અંદાજમાં આક્રમક બેટિંગ ચાલુ રાખીને ભારતની રનગતિ બનાવી રાખી હતી. તેના અને કોહલી વચ્ચે 40 રનની ભાગીદારી બાદ રોહિત મેકસવેલની ઓવરમાં ખરાબ ફટકો મારીને આઉટ થયો હતો. ટ્રેવિસ હેડે તેને શાનદાર કેચ લીધો હતો. કપ્તાન રોહિત શર્માએ ફકત 31 દડામાં 4 ચોકકા અને 3 છકકાથી આક્રમક 47 રન કર્યાં હતા.

રોહિતના આઉટ થયાની કળ હજુ વળી ન હતી ત્યાં ઇન ફોર્મ બેટર શ્રેયસ અય્યર ફકત 4 રન કરીને કમિન્સના દડામાં વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. 81 રનમાં ત્રીજી વિકેટ પડી જવાથી નમો સ્ટેડિયમમાં સન્નાટો છવાઇ ગયો હતો. દબાણની આ સ્થિતિમાં સ્ટાર વિરાટ કોહલી અને વિશ્વાસપાત્ર કેએલ રાહુલે કાંગારૂ બોલરોનો મકકમતાથી સામનો કરીને સીંગલ-ડબલ રન સાથે ભારતની ઇનિંગ સ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કોહલી તેની 72મી અર્ધસદી બાદ કમનસીબે પ4 રને બોલ્ડ થયો હતો. કાંગારૂ કપ્તાન કમિન્સના ઇનસ્વિંગમાં બોલ કોહલીના બેટની અડીને સ્ટમ્પમાં ગયો હતો. કોહલીની વિકેટથી અમદાવાદના સ્ટેડિયમમાં જ નહીં પૂરા ભારતમાં સન્નાટો વ્યાપી ગયો હતો. વર્તમાન વિશ્વ કપમાં નવમી વખત પ0 પ્લસ સ્કોર કરનાર વિરાટ કોહલીએ 63 દડામાં 4 ચોકકાથી પ4 રનની જવાબદારીભરી ઇનિંગ રમી હતી. કોહલી અને રાહુલ વચ્ચે ચોથી વિકેટમાં 109 દડામાં 67 રનની સંગીન ભાગીદારી થઇ હતી.

છઠ્ઠા ક્રમે પ્રમોટ થયેલ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા કોઇ કમાલ કરી શકયો ન હતો અને 22 દડામાં 9 રને પાછો ફર્યોં હતો. આ વિકેટ બાદ ભારતને મોટો ફટકો પડયો હતો. સેટ બેટસમેન કેએલ રાહુલ 107 દડામાં 1 ચોકકાથી 66 રન બનાવીને સ્ટાર્કના અદભૂત આઉટસ્વિંગમાં વિકેટકીપર ઇગ્લીંશને કેચ આપીને આઉટ થયો હતો. જયારે મોહમ્મદ શમી (6)એ વિકેટ ફેંકી હતી. બુમરાહ પણ એક રન કરી પેવેલિયન ભેગો થયો હતો. આખરી ઓવરોમાં સૂર્યકુમાર ભારતની રન રફતાર વધારી શકયો ન હતો અને 18 રને આઉટ થયો હતો.

ભારતની ઇનિંગના આખરી દડે કુલદિપ યાદવ 10 રન કરી રનઆઉટ થયો હતો. સિરાજ 8 દડામાં 1 ચોકકાથી 9 રને નોટઆઉટ રહ્યો હતો. આ બન્નેએ આખરી વિકેટમાં ઘણા મહત્વના 14 રનનો ઉમેરો કરીને ભારતનો સ્કોર પ0 ઓવરમાં 240 રને પહોંચાડયો હતો.

ભારત: રોહિત કો. હેડ બો મેક્સવેલ 47, ગિલ કો. ઝમ્પા બો. સ્ટાર્ક 4, વિરાટ બોલ્ડ કવિન્સ 54, શ્રેયસ કો. ઇંગ્લીશ બો. કમિન્સ 4, રાહુલ કો. ઇંગ્લીશ બો. સ્ટાર્ક 66, રવિન્દ્ર કો. ઇંગ્લીશ બો. હેઝલવૂડ 9, સૂર્યકુમાર કો. ઇંગ્લીશ બો. હેઝલવૂડ 18, શમી કો. ઇંગ્લીશ બો. સ્ટાર્ક 6, બુમરાહ એલબીડબલ્યુ

 ઝમ્પા 1, કુલદીપ રનઆઉટ 10, સિરાજ નોટઆઉટ 9, વધારાના 12, કુલ 50 ઓવર 240 રન

વિકેટ ક્રમ: 30, 76, 81, 148, 178, 203, 211, 214, 226, 240

બોલિંગ: સ્ટાર્ક: 10-0-55-3, હેઝલવૂડ: 10-0-60-2, મેક્સવેલ: 6-0-35-1.

કમિન્સ: 10-0-34-2, ઝમ્પા: 10-0-44-1,

માર્શ: 2-0-5-0, હેડ: 2-0-4-0

 

 

Crime

મોરબીમાં દલિત યુવાનને ચપ્પલ ચટાવનાર યુવતી-બે સાગરીત પોલીસમાં હાજર લૂંટની કલમનો ઉમેરો: અન્ય સાગરીતોની શોધખોળ November 28, Tue, 2023