અમદાવાદ, તા.20: વિશ્વ કપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની આંચકારૂપ હાર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને કરોડો ચાહકો માટે વજ્રાઘાત સમાન હતી. હાર બાદ મેદાન પર જ આપણા ખેલાડીઓ રડી પડયા હતા. આ સમયે સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર હતા. ફાઇનલની હાર બાદ પીએમ મોદી ભારતીય ખેલાડીઓને સાંત્વના આપવા ડ્રેસિંગ રૂમમાં ગયા હતા.
પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને સાંત્વના સાથે હળવી વાતો કરી હતી અને ગળે લગાડયા હતા. તેમને પ્રેરિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર મોહમ્મદ શમીને મળીને મોદીએ ગળે લગાડયો હતો. રવીન્દ્ર જાડેજાને પણ સાંત્વના આપી હતી. બાદમાં જાડેજાએ ટ્વિટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રેસિંગ રૂમમાં આવવું વિશેષ અને પ્રેરણાદાયી રહ્યંy.
પીએમ મોદી ફાઇનલની હાર બાદ ટીમ માટે ટ્વિટ કર્યું હતું કે પ્રિય ટીમ ઇન્ડિયા, વિશ્વ કપમાં આપની પ્રતિભા અને દ્રઢ સંકલ્પ ઉલ્લેખનીય રહ્યા. આપ સારા જુસ્સાથી રમ્યા અને દેશને ગૌરવાંતિત કર્યા. અમે આજે અને કાયમ આપની સાથે ઉભા છીએ. આ તકે મોદીએ ઓસ્ટ્રેલિયન ટીમને પણ બિરદાવી હતી.