- બુમરાહ અને અશ્વિન બોલિંગ ક્રમાંકમાં પહેલા-બીજા નંબરે
- રવીન્દ્ર જાડેજા નંબર વન ઓલરાઉન્ડર
દુબઈ, તા.21: યુવા ભારતીય બેટર યશસ્વી જયસ્વાલને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ઉપરા ઉપરી બે બેવડી સદી ફટકારવાનો આઇસીસી ક્રમાંકમાં બમ્પર ફાયદો થયો છે. તે 14 ક્રમની છલાંગ લગાવીને આઇસીસી ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં ટોચના 20 બેટરમાં આવી ગયો છે. આ ઉપરાંત રાજકોટ ટેસ્ટમાં સદી ઉપરાંત 7 વિકેટ લેનાર રવીન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર ક્રમાંકમાં નંબર વન પર વધુ મજબૂત બન્યો છે. ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં પણ તે ફાયદા સાથે 34 ક્રમે પહોંચ્યો છે. ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં જસપ્રિત બુમરાહ પહેલા સ્થાને યથાવત્ છે. તે આ ઉપલબ્ધિ હાંસલ કરનારો ભારતનો પહેલો ઝડપી બોલર છે.
રાજકોટમાં પ00 વિકેટની ક્લબમાં સામેલ થનાર અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન એક સ્થાનના ફાયદાથી બીજા ક્રમે આવી ગયો છે જ્યારે જાડેજા બોલિંગ ક્રમાંકમાં છઠ્ઠા નંબર પર છે. બેટિંગ ક્રમાંકમાં ભારતીય સુકાની રોહિત શર્મા 12મા નંબર પર છે. તેણે રાજકોટમાં 131 રનની ઇનિંગ રમી હતી. શુભમન ગિલે 91 રન કર્યા હતા. તે હવે 3પમા ક્રમાંક પર છે. સિરીઝમાં બહાર રહેનાર કોહલી ટોપ ટેનમાં સામેલ એકમાત્ર ભારતીય બેટર છે. તે સાતમા નંબર પર ટકી રહ્યો છે. કેન વિલિયમ્સન ટોચ પર છે.