• શનિવાર, 04 મે, 2024

પંતનો પાવર: ગુજરાત સામે દિલ્હીના 4 વિકેટે 224

આખરી 5 ઓવરમાં 97 રન ઉમેરી રનનો ધોધ વહાવ્યો કપ્તાન ઋષભ પંતના 8 છકકાથી 88*: અક્ષરના 66

73 રન લૂંટાવી મોહિત શર્મા સૌથી મોંઘો બોલર

નવી દિલ્હી તા.24:  ગુજરાત ટાઇટન્સ વિરૂધ્ધ ધીમી અને નબળી શરૂઆત બાદ આખરી પાંચ ઓવરમાં રનનો ધોધ વહાવીને દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 224 રન ખડકયાં હતા. કપ્તાન ઋષભ પંત અને ટ્રિસ્ટન સ્ટબ્સની વિસ્ફોટક બેટિંગથી દિલ્હીએ આખરી પ ઓવરમાં 97 રન ઉમેર્યાં હતા. જે આઇપીએલ ઇતિહાસમાં આખરી પ ઓવરનો બીજો શ્રેષ્ઠ ઉમેરો છે. ખાસ કરીને આખરી ત્રણ ઓવરમાં ગુજરાતના બોલરો લાઇન-લેન્થ ભુલ્યા હતા. આથી ઇનિંગના આખરી 18 દડામાં પંત-સ્ટબ્સની જોડીએ 67 રનનો વધારો કરીને મેદાન પર રનનું રમખાણ સજર્યું હતું. 19મી ઓવરમાં 22 અને 20મી ઓવરમાં પંતે 4 છકકાથી 31 રન ઝૂડયા હતા. ઋષભ પંત કેપ્ટન ઇનિંગ રમીને 43 દડામાં પ ચોકકા અને 8 છકકાથી આતશી 88 રને નોટઆઉટ રહ્યો હતો. બીજી તરફ ગુજરાત ટાઇટન્સના મીડીયમ પેસર મોહિત શર્માએ 4 ઓવરમાં વિના વિકેટે 73 રન લૂંટાવ્યા હતા. તે આઇપીએલ ઇતિહાસનો સૌથી ખર્ચાળ બોલર બન્યો હતો.

દિલ્હીએ પાવર પ્લેમાં જ પૃથ્વી (11), ઝેક ફ્રેઝર (23) અને હોપ (પ)ની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પીંચ હિટર અક્ષર પટેલ અને કપ્તાન ઋષભ પંતે દબાણની પરિસ્થિતિમાં હલ્લાબોલ શરૂ કરી ગુજરાતની બોલિંગ-ફિલ્ડીંગ છિન્નભિન્ન કરી દીધી હતી. આ બન્ને વચ્ચે ચોથી વિકેટમાં 68 દડામાં 113 રનની તાબડતોબ ભાગીદારી થઇ હતી. અક્ષર પટેલે 43 દડામાં પ ચોકકા-4 છકકાથી 66 રનની આક્રમક ઇનિંગ રમી હતી. ડેથ ઓવર્સમાં પંતની ફટકાબાજી શરૂ થઇ હતી. જેમાં ટ્રિસ્ટન સ્ટબ્સે બખૂબી સાથ આપ્યો હતો. તે માત્ર 7 દડામાં 3 ચોકકા-2 છકકાથી 26 રને નોટઆઉટ રહ્યો હતો અને પંત સાથે પાંચમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 18 દડામાં 67 રન કર્યાં હતા. ગુજરાત તરફથી સંદિપ વોરિયરે 3 ઓવરમાં 1પ રનમાં 3 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક