• શનિવાર, 04 મે, 2024

હૈદરાબાદની રફતાર પર અંકુશ મૂકવાનો બેંગ્લુરુ સામે પડકાર

તળિયાની ટીમ RCB સામે SRH હલ્લાબોલ કરવા આતુર

હૈદરાબાદ, તા.24: ધસમસતી ગતિથી આગેકૂચ કરી રહેલ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ ગુરુવારે આઇપીએલના મેચમાં પોઇન્ટ ટેબલ પરની તળિયાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરુદ્ધ મેદાને પડશે ત્યારે તેની નજર ફરી એકવાર આરસીબી વિરુદ્ધ હલ્લાબોલ કરીને રનનો અંબાર રચવા પર હશે. સનરાઇઝર્સ આઇપીએલન વર્તમાન સીઝનમાં ત્રણવાર 2પ0 પ્લસ સ્કોર કરી ચૂકી છે. આરસીબી વિરુદ્ધ પેટ કમિન્સની ટીમે 3 વિકેટે 287 રનનો સ્કોર ખડક્યો હતો. મુંબઈ અને દિલ્હી ટીમ સામે 260 ઉપરનો સ્કોર બનાવ્યો હતો. હવે તે આરસીબીની નબળી બોલિંગનો ફાયદો ઉઠાવીને 2પ0 પ્લસ સ્કોર કરી હોમ ગ્રાઉન્ડ પર રનનું રમખાણ સર્જવાનો મનસૂબો ધરાવે છે. બીજી તરફ 8 મેચમાં 7 હાર સહન કરનાર આરસીબી માટે પ્લેઓફના દ્વાર બંધ સમાન છે. તે હૈદરાબાદ સામે ઉલટફેર કરી જીતના પ્રયાસમાં રહેશે.

હૈદરાબાદના બેટધરો હરીકેન બની રનનો ધોધ વહાવી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સ સામેના પાછલા મેચમાં પાવર પ્લેમાં વિના વિકેટે 12પ રન કરી નવો રેકોર્ડ બનાવ્યો હતો અને આઇપીએલમાં પહેલીવાર 300ના આંકને સ્પર્શ કરવાનો મોકો બનાવ્યો હતો. ગુરુવારે પણ સનરાઇઝર્સ નવા રેકોર્ડ સર્જે તો એમાં કોઇ અચરજ હશે નહીં, કારણ કે આની સંભાવના એટલા માટે છે કે આરસીબીની કમજોર કડી તેની બોલિંગ છે. તેનો સર્વશ્રેષ્ઠ બોલર યશ દયાલ છે. તે 7 વિકેટ સાથે પર્પલ કેપની સૂચિમાં 24મા સ્થાને છે.  આરસીબી ટીમે પાછલા પાંચ મેચમાં ઓછામાં ઓછા 180 રન લૂંટાવ્યા છે જ્યારે પાછલા બે મેચમાં હરીફ ટીમે 200 ઉપરનો સ્કોર કર્યો છે. આ વખતે તેની સામે ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, હેનરિક કલાસેન અને એડન માર્કરમ રૂપી વાવાઝોડાનો સમાનો કરવાનો છે.

આરસીબી તરફથી વિરાટ કોહલી 379 રન કરી ઓરેન્જ કેપની રેસમાં આગળ ચાલી રહ્યો છે. આ ટીમને તેના હરફનમૌલા ખેલાડી ગ્લેન મેક્સવેલનું ખરાબ ફોર્મ નડી રહ્યંy છે. પાછલા બે મેચથી તે વિશ્રામ પર છે. હૈદરાબાદ સામે તે લગભગ વાપસી કરી શકે છે. આ ઉપરાંત સિરાજની ધાર વગરની બોલિંગ અને સારા સ્પિનરની ખોટને લીધે આરસીબી હરીફ ટીમને પડકાર આપી રહી નથી. હૈદરાબાદની રન ગતિ પર અંકુશ મૂકવા બેંગ્લુરુના બોલરો અને ફિલ્ડરોએ એડી ચોટીનું જોર લગાવવું પડશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક