• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

વડાપ્રધાન મોદી વતનમાં: 6000 કરોડની ભેટ આપશે

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું રાજ્યપાલ, મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખે ઉષ્માભર્યું સ્વાગત કર્યું: વડસર એરફોર્સનાં ઓપરેશન કોમ્પ્લેક્સનું મોદીએ ઉદ્ઘાટન કર્યું

 

અમદાવાદ, તા. 15 : નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના ત્રીજીવાર શપથ લીધા બાદ તેઓ પ્રથમવાર આજે  ગુજરાતની  ત્રિ-દિવસીય મુલાકાતે પધાર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 દિવસીય ગુજરાત પ્રવાસમાં અનેક ભરચક કાર્યક્રમો છે. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી સીધા જ તેઓ વડસર એરફોર્સનાં ઓપરેશન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને રાજભવન પહોંચ્યા હતા.

ગુજરાત પ્રવાસેલા આવેલા વડાપ્રધાન આવતીકાલે 6 હજાર કરોડથી વધુનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમજ

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 20,866 શહેરી અને 35,657 ગ્રામીણ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે તથા 30,000 નવા આવાસોની મંજૂરી અને પ્રથમ હપ્તાના 90 કરોડ લાભાર્થીઓના બેન્ક ખાતામાં ડીબીટી મારફતે લાભ આપવામાં આવશે. ઉપરાંત તેઓ 25 કાર્યોનું લોકાર્પણ, અમદાવાદ-ભુજ વચ્ચેની વંદે મેટ્રોને પણ લીલીઝંડી આપશે. ઉપરાંત ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનાં 6 પ્રકલ્પો, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડનાં મોટેરાથી સેક્ટર-1 અને જીએનએલયુથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરશે તેમજ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી ગિફ્ટ સિટીના 1 પ્રકલ્પનું લોકાર્પણ કરશે તેમજ ભારતીય રેલવેનાં 2 પ્રકલ્પનું ખાતમુહૂર્ત અને 7 ટ્રેનનું ફ્લેગ ઓફ કરશે તેમજ આવતીકાલે વડાપ્રધાન મોદી અમદાવાદના ઋખઉઈ ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધશે. વધુમાં આજે રાત્રે તેઓ ગાંધીનગરમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાના છે. જેમાં સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં ફેરફાર, વિકાસ અને સુધારો કરવાનાં કામ અંગે ચર્ચા થશે તેમજ આગામી દિવસોમાં સોમનાથ મંદિરનો પ્રવેશ દ્વાર બેડીગેટ સુધી લઈ જવાનું આયોજન છે તેમજ ગત બેઠકમાં નક્કી કરાયેલાં કામની પણ સમીક્ષા અને પ્રાથમિક ચર્ચા થશે. નોંધનીય છે કે સોમનાથ મંદિર ટ્રસ્ટની 123મી બેઠક યોજનાર છે.  ઉપરાંત અધિકારીઓ અને નેતાઓ સાથે અનેક મંદિરો અંગેની વાતચીત પણ કરશે તેવી શક્યતા છે. 

તા. 15, 16 અને 17 સપ્ટેમ્બર ત્રણ દિવસ વડાપ્રધાન ગુજરાત મુલાકાતે આવ્યા હોવાથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે ત્યારે તા. 16ના રોજ ઇદ - એ - મિલાદનું જુલૂસ તેમજ તા. 17ના રોજ ગણેશ વિસર્જન હોઈ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાતને લઈ અમદાવાદ, વડોદરા અને સુરતમાં પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

વડાપ્રધાન બે દિવસમાં સરકાર, અધિકારી અને સંગઠન સાથે બેઠકો યોજશે

લોકસભા ચૂંટણી 2024 અને તેનાં પરિણામો બાદ પહેલી વખત ગુજરાત આવેલા વડાપ્રધાન 15 અને 16 સપ્ટેમ્બર એમ બે રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરવાના છે. રાજભવનમાં રાત્રિ રોકાણ દરમિયાન ગુજરાત સંગઠન અને સરકારના ટોચના નેતાઓ સાથે મિટિંગ કરે તેવી સંભાવના છે. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષની નિમણૂક અને કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા થવાની સંભાવના પણ છે.

તેઓ ગુજરાત સરકારના વિવિધ મંત્રીઓ સાથે પણ બેઠક કરી શકે છે અને સરકારની કામગીરીની સમીક્ષા પણ કરશે તેમ મનાય છે. દરમિયાનમાં અનેક લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીએમઓમાં મળવા જતા હોય છે પરંતુ અમુક સંજોગોમાં તેમની સાથે મુલાકાત ન કરી શકનારાઓને રાજભવનમાં બે દિવસમાં મુલાકાતનો સમય આપી શકે છે. સાથે નબળા મંત્રીઓ પર તવાઈ પણ આવી શકે છે. ઉપરાંત આઇપીએસની બદલીઓને તખતો પણ ગોઠવાઈ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક