• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

કેજરીવાલનું રાજીનામાનું એલાન: કોણ બનશે મુખ્યમંત્રી ?

રાજકીય દાવપેંચ : જામીનમુક્ત ‘આપ’ નેતાએ કહ્યું બે દિવસમાં રાજીનામું આપીશ, જનતા ફેંસલો આપે ત્યાં સુધી મુખ્યમંત્રી

પદે નહીં રહું : નવેમ્બરમાં મહારાષ્ટ્ર સાથે ચૂંટણી યોજવા માગ

 

નવી દિલ્હી, તા.1પ : દિલ્હીમાં દારૂનીતિના કથિત કૌભાંડમાં લાંબો સમય જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી પોતે બે દિવસમાં રાજીનામું આપશે તેવું એલાન કરતાં ઘેરા રાજકીય પડઘા પડયાં છે. કેજરીવાલ મુખ્યમંત્રી પદ છોડશે અને સિસોદિયા પણ આરોપી હોવાથી દાવેદાર નથી તેવી સ્થિતિમાં પાર્ટીના સિનિયર નેતા - મંત્રી આતિશી મુખ્યમંત્રી બને તેવી અટકળો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ટૂંક સમયમાં દિલ્હીના નવા મુખ્યમંત્રીની પસંદગી કરશે.અરવિંદ કેજરીવાલ રવિવારે આમ આદમી પાર્ટીનાં મુખ્યાલયે પહોંચ્યા હતા અને પાર્ટી નેતાઓ અને કાર્યકરોને મળી સંબોધન દરમિયાન ભગત સિંહની જેલ ડાયરી હાથમાં લહેરાવતાં ચોંકાવતું એલાન કર્યું કે હું બે દિવસ બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીશ. તેમણે ભાજપા પર પ્રહાર કરતાં કહ્યું કે હું ત્યાં સુધી મુખ્યમંત્રી પદની ખુરશી પર નહીં બેસું જ્યાં સુધી જનતા પોતાનો ફેંસલો સંભળાવી ન દે કે કેજરીવાલ ઈમાનદાર છે. તેમણે માગ કરી કે નવેમ્બરમાં મહારાષ્ટ્ર સાથે જ દિલ્હીમાં ચૂંટણી યોજવામાં આવે. નવા મુખ્યમંત્રીની ચૂંટણી આગામી એક-બે દિવસમાં કરાવવામાં આવે.

કેજરીવાલે કહ્યું કે કોઈ ચપરાસીની નોકરી છોડતું નથી, મેં મુખ્યમંત્રીનું પદ છોડયું છે. ખુદને ક્રાંતિકારી મુખ્યમંત્રી કહેતાં કહયું કે હું પણ માતા સીતાની જેમ અગ્નિપરીક્ષા આપીશ. તેમણે બિન ભાજપાઈ મુખ્યમંત્રીઓને અપીલ કરી કે જેલ જાઓ તો રાજીનામું આપતા નહીં.

 

કોંગ્રેસે ગણાવી નૌટંકી, ભાજપે કહ્યું, આ ત્યાગ નથી...

કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે, આ માત્ર નાટક છે. સુપ્રીમ કોર્ટ પણ તેમને ક્રિમિનલ ટ્રીટ કરી રહી છે. કોર્ટને ડર છે કે આ વ્યક્તિ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. સીએમઓ ન જવા અને સહી કરવાની મનાઈ છે. ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે, આ કોઈ ત્યાગ નથી. સુપ્રીમે આદેશમાં કહ્યું છે કે, તેઓ સીએમની ખુરશી નજીક જઈ શકશે નહીં. કોઈ ફાઇલ પર સહી કરી શકશે નહીં. એટલે તેમની પાસે કોઈ વિકલ્પ નથી. ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીએ સવાલ ઉઠાવ્યો કે 48 કલાક પછી રાજીનામાનું શું રહસ્ય છે ? તુરંત કેમ નહીં ? રાજીનામા માટે આટલો સમય તેમને કેમ જોઈએ છે ?

 

 

ઇ-પેપરના નવા શુલ્ક