• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

હાઈટેક હુમલો : હિઝબુલ્લા આતંકીઓનાં પેજર ફાટયા, 2750 ઘાયલ

લેબનાને આ શ્રેણીબદ્ધ હુમલાનું આળ ઈઝરાયલ ઉપર મૂક્યું : સૌથી મોટી સાયબર સુરક્ષા ચૂક ગણાવી : પહેલીવાર દુનિયામાં સંચાર ઉપકરણ બન્યા શત્ર !

પેજર બ્લાસ્ટમાં 8નાં મૃત્યુ

નવી દિલ્હી, તા.17 : આધુનિક યુગમાં યુદ્ધો માત્ર રણમેદાનમાં લડાઈ રહ્યાં નથી. આર્થિકથી માંડીને સાયબર મોરચે લડાઈઓ લડવામાં આવી રહી છે અને આમાં હવે અમેરિકાએ જેને આતંકવાદી જૂથ જાહેર કરેલું છે તેવા હિઝબુલ્લા ઉપર સદંતર નવતર ઢબે હુમલો બોલાવવામાં આવ્યો છે. હમાસ પછી હિઝબુલ્લા સામે યુદ્ધે ચડેલા ઈઝરાયલ દ્વારા કથિતરૂપે આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લેબનાનમાં હિઝબુલ્લાહનાં સેંકડો આતંકવાદીઓ અને સદસ્યોનાં સંચાર ઉપકરણ પેજરમાં એક સાથે વિસ્ફોટ થયા છે. જેમાં 2750 જેટલા ઘાયલ થયા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળે છે અને 8ના મૃત્યુ પણ થયા છે. આ શ્રેણીબદ્ધ પેજર વિસ્ફોટમાં લેબનાનમાં ઈરાનનાં રાજદૂત પણ ઘાયલ થયા છે. હિઝબુલ્લાહ ઉપર અમેરિકા અને યુરોપીય સંઘે પ્રતિબંધ લગાવેલા છે. લેબનાનમાં રાજકીય અને સૈન્ય માળખાને ઈરાનનું  સમર્થન છે. હિઝબુલ્લાહે આ હુમલા માટે ઈઝરાયલ ઉપર આળ મૂક્યું છે. સાથે આને સૌથી મોટી સુરક્ષા ચૂક પણ ગણાવી હતી. હિઝબુલ્લાહનાં કહેવા અનુસાર તેનાં સદસ્યોનાં તમામ પેજરમાં લગભગ એક જ સમયે ધડાકા થયા હતાં. દુનિયામાં અત્યાર સુધીમાં થયેલા યુદ્ધો અને ઘર્ષણમાં સંભવત: આ પ્રકારનો પહેલી ઘટના છે જેમાં પેજર જેવા ઈલેક્ટ્રિક ઉપકરણમાં એક સાથે વિસ્ફોટ કરવામાં આવ્યા હોય.

પેલેસ્ટાઈનનાં આતંકી જૂથ હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયલ ઉપર હુમલો કર્યો હતો અને પછી ગાઝામાં યુદ્ધ શરૂ થયું હતું. ત્યારબાદ હિઝબુલ્લાહે પોતાનાં સહયોગી હમાસનાં સમર્થનમાં ઈઝરાયલ ઉપર હુમલા કર્યા હતાં. જેને પગલે ઈઝરાયલે તેની સામે પણ મોરચો ખોલી નાખ્યો હતો અને આ લડાઈનાં ભાગરૂપે જ ઈઝરાયલે આ હાઈટેક હુમલો કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, હિઝબુલ્લાનાં આતંકવાદીઓ પરસ્પર સંપર્ક માટે મોબાઈલ નહીં પણ પેજરનો ઉપયોગ કરતાં હતાં અને આ પેજરને હેક કરીને કોઈ આધુનિક ટેકનોલોજીથી તેમાં ધડાકા કરી નાખવામાં આવ્યા હોવાની શક્યતા છે.

-----------------------------

હિઝબુલ્લા-ઈઝરાયલ વચ્ચે પૂર્ણ યુદ્ધ ફાટી નીકળવા ભીતિ

તેલ અવીવ તા.17 : આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો છે, ગમે ત્યારે બંન્ને વચ્ચે પૂર્ણ યુદ્ધ ફાટી નિકળે તેવો ભય છે. હિઝબુલ્લાહે તાજેતરમાં ઈઝરાયલ પર 1300થી વધુ ડ્રોન અને રોકેટથી હુમલો કર્યા બાદ અત્યાર સુધી કયારેય ન સર્જાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઈઝરાયલના હવાઈ હુમલા સતત ચાલુ છે અને હિઝબુલ્લાહની સાથે હૂતિએ પણ ઈઝરાયલને નિશાન બનાવવાનું શરુ કરતાં ગાઝામાં હમાસ સામે લડી રહેલા ઈઝરાયલને ત્રણ મોરચે ઝઝૂમવું પડી રહ્યું છે. અમેરિકી સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિને કહ્યું કે હિઝબુલ્લાહ સાથે કોઈ રાજનીતિક સમાધાન થાય તેવી સંભાવના ખતમ થઈ ચૂકી છે. મોટાભાગના ઈઝરાયલીઓ હિઝબુલ્લાહને જડબાતોડ જવાબ આપવાના પક્ષમાં છે જેને પગલે વડાપ્ર્રધાન નેતન્યાહૂ દબાણમાં છે. અત્યાર સુધી એવું જોવા મળ્યું કે હિઝબુલ્લાહ સાથે લડાઈથી ઈઝરાયલ બચી રહયું છે પરંતુ હવે સ્થિતિ બદલાઈ ચૂકી છે. હિઝબુલ્લાહ સામે લડવું ઈઝરાયલ માટે જરુરી બન્યુ ંછે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક