• બુધવાર, 07 મે, 2025

આજે દેશમાં નાગરિકોની યુદ્ધ કવાયત

-1971 બાદ પહેલીવાર યુદ્ધની મોકડ્રીલ : દેશભરમાં બ્લેકઆઉટ, સાયરન ગૂંજશે : 244 જિલ્લામાં તૈયારીઓનું આંકલન, તાલીમ

- સામાન્યજન-સિવિલ ડિફેન્સ સજ્જ, પોતાના તમામ સાંસદ-ધારાસભ્યોને મોકડ્રીલમાં ભાગ લેવા ભાજપનો આદેશ

 

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી તા.6 : દેશભરમાં ર44 જિલ્લામાં ભારત સરકારે યુદ્ધની સ્થિતી અંગે મોકડ્રીલનું એલાન કર્યુ છે. 7મી મેના રોજ બુધવારે દેશભરમાં મોકડ્રીલ યોજાશે. જેમાં દેશવાસીઓને જણાવવામાં આવશે કે હુમલો અને મુશ્કેલ પરિસ્થિતીમાં ખૂદને કેવી રીતે બચાવવા સામાન્ય નાગરિકો ઉપરાંત સાંસદો અને ધારાસભ્યોને પણ તેમાં સામેલ કરાશે. ભાજપે પોતાના નેતાઓને મોકડ્રીલમાં સામાન્ય નાગરિકોની જેમ ભાગ લેવા આદેશ આપ્યો છે.

કેન્દ્ર સરકાર તરફથી દેશના તમામ રાજયોના ચીફ સેક્રેટરીને આપવામાં આવેલા નિર્દેશમાં પાકિસ્તાનનો નામજોગ ઉલ્લેખ નથી પરંતુ પહલગામમાં આતંકવાદી હુમલા બાદ મોકડ્રીલનું આયોજન કરાય એ મહત્વણપુર્ણ છે. 1971 બાદ દેશમાં પહેલીવાર આવી મોકડ્રીલ યોજાઈ રહી છે. દરમિયાન સાયરનલ વાગશે, થોડા સમય માટે બ્લેકઆઉટ સર્જાશે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો અભ્યાસ કરાશે. ગૃહ મંત્રાલયના આદેશથી દેશભરમાં યોજાઈ રહેલી આ મોકડ્રીલમાં ર44 જિલ્લા આવરી લેવાશે જયાં સિવિલ ડિફેન્સ વિભાગ સક્રિય છે. આ કવાયત ગ્રામિણ સ્તરે પણ યોજાશે. આદેશમાં જણાવાયુ છે કે આવુ એટલા માટે કરાશે કારણ કે પારખી શકાય કે આપદાની સ્થિતીમાં નાગરિકોના સ્તરે તૈયારીઓ કેવી છે ? મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સ વોર્ડન, વોલંટિયર્સ, એનસીસી, એનએસએસને સામેલ કરવામાં આવશે.  ઉપરાંત શાળા-કોલેજોનના બાળકોને પણ સામેલ કરાશે.નોટિફિકેશન અનુસાર સામાન્ય નાગરિકોને પણ તેમાં તાલિમ આપવામાં આવશે. મોકડ્રીલના માધ્યમથી હવાઈ હુમલાની સ્થિતીમાં સજ્જતાનું આંકલન કરવામાં આવશે. એરફોર્સ સાથે હોટલાઈન અને રેડિયો કોમ્યુનિકેશનને ચકાસવામાં આવશે. મુશ્કેલ સમયમાં નાગરિકો અને છાત્રો પોતાનો બચાવ કરી શકે તેવા હેતુથી મોકડ્રીલનું આયોજન કરાયું છે. દરમિયાન એરફિલ્ડસ, રિફાઈનરીઓ અને રેલ યાર્ડસની સુરક્ષાલક્ષી વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.

કેન્દ્રિય ગૃહમંત્રાલય દેશમાં કયાં કયાં શહેરોમાં મોકડ્રીલ યોજાવાની છે ? તેમાં જિલ્લાઓની યાદી જાહેર કરી છે જે મુજબ ગુજરાત, યુપી, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઓડિશા, બિહાર, આસામ, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, મેઘાલય, મણિપુર, દાદરા-નગર હવેલી, દિલ્હી, આંધ્રપ્રદેશ, આંદામાન નિકોબાર વગેરે રાજયોના મુખ્ય જિલ્લાઓસામેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક