• બુધવાર, 07 મે, 2025

અકસ્માતનાં ઘાયલોને મફત સારવાર યોજના લાગુ

- માર્ગ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તને 1.5 લાખ સુધી મળશે કેશલેસ ઉપચાર : કેન્દ્ર સરકારે જારી કરી માર્ગદર્શિકા

 

નવી દિલ્હી, તા. 6 : દેશમાં દરવર્ષે માર્ગ અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક સારવાર ન મળતાં મૃત્યુ પામનારા લોકોની સંખ્ય ઘટાડવાના હેતુથી કેન્દ્ર સરકારે 1.5 લાખ સુધીની મફત સારવારની યોજના જારી કરી હતી, જે સોમવારથી દેશભરમાં લાગુ કરાઈ હતી.

આ યોજના અંતર્ગત પહેલા સાત દિવસ સુધી ઘાયલને સરકારે નિયુક્ત કરેલી હોસ્પિટલમાં 1.5 લાખ સુધીની મર્યાદામાં મફત સારવાર મળી શકશે. યોજનાના સુદૃઢ  અમલીકરણ માટે સરકારે 11 સભ્યની સમિતિની પણ સ્થાપના

કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જારી કરેલી આ યોજનાના જાહેરનામામાં જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલી કોઈ પણ વ્યક્તિ પહેલા સાત દિવસ સુધી 1.5 લાખની મર્યાદામાં કેસલેશ સારવાર મેળવી શકશે. રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ આ યોજનાના અમલીકરણ માટે પોલીસ, હોસ્પિટલ અને રાજ્યની આરોગ્ય સંસ્થાઓ સાથે સંકલન કરશે.

તે ઉપરાંત નિયુક્ત હોસ્પિટલ સિવાયની હોસ્પિટલમાં આ યોજના ઘાયલની હાલત સ્થિર કરવાના હેતુથી સારવાર અપાશે તેમ માર્ગદર્શિકામાં જણાવાયું હતું. રાજ્ય માર્ગ સલામતી પરિષદ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ માટે યોજનાના અમલીકરણ માટે નોડલ એજન્સી નીમશે અને નિયુક્ત હોસ્પિટલને પીડિતોની સારવાર તથા તે સંબંધિત બાબતો માટે ચૂકવણી અર્થે પોર્ટલની સુવિધા પૂરી પાડવા સહિતનું સંકલન પણ રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ દ્વારા કરાશે.

નોંધનીય છે કે, માર્ગ અકસ્માતમાં દરવર્ષે અંદાજિત પાંચ લાખ લોકો મૃત્યુ પામે છે, તો ચાર લાખથી વધુ ગંભીર રીતે ઘાયલ થાય છે. એક હેવાલ મુજબ, સૌથી વધુ દ્વિચક્રી વાહનચાલકો અને પગપાળા જતા લોકોનો તેમાં સમાવેશ થાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક