ફોર્ચ્યુનર કારનો કાચ તોડી આરોપીઓ પૈસા ભરેલી બેગ લઇ નાસી છૂટયા
પોલીસે
સીસીટીવીના આધારે ચાર લુટારુઓની શોધખોળ હાથ ધરી
સુરત,
તા. 20 : શહેરના રામનગર મોરાભાગળ વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી
છે. જેમાં ગતરોજ સાંજે જાહેર રોડ પર ફોર્ચ્યુનર કારનો કાચ તોડી ચાર આરોપીઓ આંગડિયા
પેઢીના રૂ. 35 લાખ ભરેલી બેગ લઈને નાસી ગયા હતા. બનાવ અંગે જાણ થતા રાંદેર પોલીસે ઘટના
સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
સૂત્રો
પાસેથી મળતી માહિતી મુજબ કીમ ખાતે રહેતા શિવરત્ન પુનિયા અને અંકિત પુનિયા કન્ટ્રક્શનના
વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત સાંજે બન્ને પુનિયા બંધુઓ ફોર્ચ્યુનર કારમાં ભાગળ ખાતે
આવેલી આંગડિયા પેઢીમાંથી રૂ. 35 લાખ લઈને જવા નીકળ્યા હતા. તે વેળાએ તેઓ સાંજના સરામાં
અડાજણ ઓલપાડ રોડ પર રાંદેર રામનગર અને મોરાભાગળ વચ્ચે પ્રકાશ મોબાઇલની દુકાન સામેથી
પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી ડિસ્કવરી બાઈક પર આવેલા બે લૂંટારૂએ તેમની કારની
પાછળ મોપેડ અથડાવી હતી. અને એક રસ્તા પર પડી બે ભાન થવાનુ નાટક કરવા લાગ્યો હતો જ્યારે
બીજો લુટારુએ કારના આગળના ભાગે આવીને તમે અકસ્માત કર્યો છે અને મારો ભાઈ મરી ગયો છે
એમ કહીને ઝઘડો કરવાનુ શરૂ કર્યુ હતુ. જેથી શિવરત્ન અને અંકિતએ કારમાંથી ઉતરી ગાડી લોક
કરી પાછળના ભાગે ગયા હતા. દરમિયાન બીજા મોપેડ પર અન્ય બે લુટારુઓ આવ્યા હતા અને કારની
પાસે આવી ડ્રાઈવરની સીટ પાછળની બારીનો કાચ તોડી અંદરથી રૂ. 35 લાખ ભરેલી બેગ લઈને નાસી
ગયા હતા. બન્ને ભાઈઓએ કારમાં લુટારુઓનો પીછો કર્યો પરંતુ ટ્રાફિકને લીધે લુટારુઓ ભાગવામાં
સફળ રહ્યા હતા. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમે સ્થળ પર આવી
પહોંચ્યા હતા અને આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરાને આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી
છે.
ભોગ
બનનાર શિવરત્ન અને અંકિતના પિતા કીમના જાણીતા બિલ્ડર છે જ્યારે બન્ને ભાઈએ પણ પિતાની
સાથે જ બાંધકામનું કામ કરે છે. બાંધકામના પૈસા સુરતની આંગડિયા પેઢીમાં આવ્યા હોવાથી
લેવા માટે આવ્યા હતા. આંગડિયા પેઢીમાં કોઈ મળતિયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે
અને લુટારુઓ આંગડિયા પેઢીથી તેમનો પીછો કરતા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે.