• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

સુરતમાં ‘ગે ડેટિંગ’ એપથી યુવકોને ફસાવતી ગેંગનો પર્દાફાશ

યુવકને મળવા બોલાવી માર મારી રૂપિયા પડાવનાર બે આરોપી અને એક કિશોર ઝડપાયા

સુરત, તા.5: સુરતના વરાછા વિસ્તારમાં ઓનલાઈન ડાટિંગ એપનો ઉપયોગ કરીને લોકોને મળવા બોલાવી લૂંટ ચલાવતી ગેંગનો વરાછા પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે બે આરોપીઓ અને એક કિશોરને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ અગાઉ પણ આવી જ રીતે અન્ય લોકોને નિશાન બનાવ્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, લિંબાયત વિસ્તારમાં રહેતા એક યુવકે થોડા દિવસ પહેલાં એક ગે ડાટિંગ અને ચાટિંગ એપ ડાઉનલોડ કરી હતી. એપ પર રાજ નામના આઈડીથી યુવક સાથે મિત્રતા કરી તેને વરાછાની અર્ચના સ્કૂલ નજીક મળવા બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને હરિધામ સોસાયટી પાસે આવેલા ઓરેંજ પાર્કના અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના પાંચમા માળે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પહેલેથી હાજર અન્ય બે શખસોએ તેની સાથે મારામારી કરી હતી. આરોપીઓએ યુવક પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ ગુગલ પે મારફતે રૂ. 1,000 ટ્રાન્સફર કરાવી કુલ રૂ. 20,500 પડાવી લીધા હતા. ત્યારબાદ ધમકી આપી ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. શરૂઆતમાં આબરૂ જવાની ભીતિના કારણે યુવકે ફરિયાદ નોંધાવી નહોતી, પરંતુ પરિવારજનોના પ્રોત્સાહન બાદ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે સુશાંત ઉર્ફે આકાશ કુંવરબહાદુર વર્મા (ઉ.21), સોમરાજ અર્જુન ગામેતી (ઉ.21) તેમજ એક કિશોરને ઝડપી પાડયા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી રોકડ અને મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. ઉપરાંત અન્ય કોઈ લોકો પણ આ ગેંગનો ભોગ બન્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક