• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

મતભેદો વિવાદ ન બનવા જોઈએઃ શી જિનપિંગને મોદીનો સંદેશ

- ભારત-ચીન સંબંધો માટે સન્માન, સંવેદનશીલતા અને પારસ્પરિક હિતોનો મંત્ર આપતાં વડાપ્રધાન 50 મિનિટ સુધી ચાલી દ્વિપક્ષી વાટાઘાટ

 

નવી દિલ્હી, તા.12 બ્રિક્સ શિખર સંમેલનનાં ઉપલક્ષ્યમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી અને આમાં મોદીએ પરસ્પર વિશ્વાસ માટે સન્માન, સંવેદનશીલતા અને પારસ્પરિક હિતનો મંત્ર આપ્યો હતો. ઉપરાંત ભારતે કહ્યું છે કે બંને દેશો વચ્ચેના મતભેદો વિવાદમાં બદલાવા જોઈએ નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનાપિંગે 50 મિનિટ સુધી દ્વિપક્ષીય વાતચીત કરી હતી. ગલવાન અથડામણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનાપિંગ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. બંને નેતાઓની બેઠક એવા સમયે થઈ છે, જ્યારે છેલ્લા કેટલાક સમયથી ભારત-ચીન સંબંધોમાં ધીમે ધીમે સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી આગળ વધારવા પર ભાર મૂક્યો.

બંને નેતાઓએ ઓગસ્ટ 2025માં તિયાનજિનમાં યોજાયેલી અગાઉની બેઠક બાદથી ભારત-ચીનના પરસ્પર સંબંધોમાં થયેલી સતત પ્રગતિનું સ્વાગત કર્યું છે. તેમણે દોહરાવ્યું હતું કે બંને દેશોએ પોતાના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જોવા જોઈએ. મતભેદોને વિવાદમાં બદલાવા દેવા જોઈએ નહીં.

વડાપ્રધાન મોદીએ ભાર મૂક્યો હતો કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા બંને દેશોના સંબંધોના સતત વિકાસ માટે જરૂરી આધાર છે. તેમણે જણાવ્યું કે બંને પક્ષોએ સરહદ સંબંધિત મુદ્દાઓ અંગે હાલના કરારો અને પરસ્પર સમજણનું પાલન કરવું જોઈએ. બંને નેતાઓએ સરહદ વિવાદના નિષ્પક્ષ, યોગ્ય અને પરસ્પર સંમતિથી ઉકેલ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉકેલ બંને દેશોના સમગ્ર દ્વિપક્ષીય સંબંધોના રાજકીય દૃષ્ટિકોણ અને બંને દેશોના લોકોના લાંબા ગાળાના હિતો પર આધારિત હોવો જોઈએ.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક