-નેશનલ સ્ટોક એક્સચેંજના આઇપીઓ પૂર્વે રાજકોટમાં બ્રોકર્સ કોન્ફરન્સ યોજાઇ
રાજકોટ,તા.12 (ફૂલછાબ
ન્યૂઝ) અનેક પ્રાદેશિક અને રાષ્ટ્રીય એક્સચેંજ પર ફ્લોર પર થતાં શેરના સોદાથી અદ્યતન કોમ્પ્યુટરાઇઝડ અને સુપરફાસ્ટ શેર ટ્રાડિંગ સુધીની ક્રાંતિ ભારતીય શેરબજારમાં થઇ ચૂકી છે. કોમ્પ્યુટરાઇઝડ શેર ટ્રાડિંગના પાયોનિયર ગણાતા નેશનલ સ્ટોક એક્સચેંજનો હવે આઇપીઓ જાહેર થયો છે. બીએસઇ પર લિસ્ટ થનારા એનએસઇના આઇપીઓ પૂર્વે રાજકોટમાં બ્રોકર્સ કોન્ફરન્સ યોજાઇ હતી. જેને એનએસઇના એમ.ડી. સીઇઓ આશિષ ચૌહાણે સંબોધી હતી. તેમણે કહ્યું કે, 1992માં એક્સચેંજ શરૂ થયું ત્યારે કોમ્પ્યુટર પર ટ્રાડિંગ થતું જ નહીં. અમે નવા વિચાર સાથે સંપુર્ણ કોમ્પ્યુટરાઇઝડ ટ્રાડિંગ કરવાના નિશ્ચય સાથે એક્સચેંજ આરંભ્યું, જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે. આજે એનએસઇ નંબર વન એક્સચેંજ છે.
તેમણે કહ્યું કે, ક્રીન આધારિત ટ્રાડિંગ આરંભે અચરજ પમાડે તેવું હતુ. જોકે એ પૂર્વે એક ટ્રેડનું સેટલમેન્ટ 50-60 દિવસે
મેન્યુઅલી થતું અને એકાએક અદ્યતન ટેકનોલોજી વડે ફટાફટ ટ્રાડિંગ-સેટલમેન્ટ થવા લાગતા એનએસઇને બહોળો આવકાર મળ્યો. સભ્ય બનવા માટે કાર્ડ ખરીદવું પડતું અને તે માટે લાઇનો લાગતી અમે જોઇ છે.
તેમણે કહ્યું કે, એનએસઇ ખૂબ જ ઝડપથી રોકાણકારોમાં છવાઇ ગયું અને 11 મહિનામાં
જ અમે ટોપ પોઝીશન પર આવી ગયા. હવે અમે એનએસઇનો આઇપીઓ લાવીને નાના રોકાણકારોને પ્રગતિના હમસફર બનાવવા ઇચ્છીએ છીએ. આઇપીઓ 17 સપ્ટેમ્બરે
ખૂલીને 21 સપ્ટેમ્બરે
બંધ થશે, જેનો પ્રાઇઝ બેન્ડ રૂ. 1700-1785 રાખવામાં આવ્યો છે.
આશિષભાઇએ રાજકોટના મોટાં બ્રોકરો અને રોકાણકારોને સંબોધતા કહ્યું કે, એનએસઇની પ્રગતિ ભારતીય અર્થતંત્રની પ્રગતિ સાથે અવિરત થતી રહેવાની છે. ભારત યુવા વસ્તી ધરાવતો દેશ છે અને ટેકનોલોજી સાથે કામ પાડનારા મહત્તમ યુવાનો છે. એનો ફાયદો દેશ અને એક્સચેંજને મળશે. તેમણે ભૂતકાળ વાગોળતા કહ્યું કે, એનએસઇ જ્યારે શરૂ થયું ત્યારે પ્રથમ દિવસે 700 ટ્રેડ
થયા હતા અત્યારે રોજ 30 કરોડ
ટ્રેડ થઇ રહ્યા છે. એનએસઇ પાસે તમામ આવશ્યક ટેકનોલોજી છે અને નવી ટેકનોલોજી આવે તો તે અમે તૂર્ત અપનાવી લઇને અગ્રેસર બન્યા છીએ.
સંબોધન બાદ આશિષભાઇએ બ્રોકરો અને રોકાણકારો સાથે પ્રશ્નોત્તરી કરી હતી. એમાં એક્સચેંજની ભાવિ પ્રગતિ, ભાવિ યોજનાઓ તથા વળતર મુદ્દે પ્રશ્નો પૂછાયા હતા. આ તકે એનએસઇના અલગ અલગ વિભાગીય અધિકારીઓ તથા એનએસઇના રાહ્નલ વ્યાસ હાજર રહ્યા હતા. રાજકોટના મોટાં બ્રોકરો અને રોકાણકારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આવો જ કાર્યક્રમ અમદાવાદમાં પણ યોજાયો હતો.