• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

ભારત-મ્યાંમાર સીમાએ ઉગ્રવાદી હુમલો ઃ એક જવાનનું બલિદાન

અરુણાચલ પ્રદેશનાં સંવેદનશીલ સીમાવર્તી વિસ્તારમાં આસામ રાઈફલ્સની ટીમને બનાવાઈ નિશાન ઃ ચાર જવાન ઘાયલ

નવી દિલ્હી, તા.29ઃ અરુણાચલ પ્રદેશમાં સામે આવેલા એક મોટા ઘટનાક્રમમાં ચાંગલાંગ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ નજીક આજે સવારે શંકાસ્પદ ઉગ્રવાદીઓના હુમલામાં આસામ રાઈફલ્સનો એક જવાન શહીદ થયો હતો. હુમલામાં અન્ય ચાર જવાનો પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના સરહદના સંવેદનશીલ વિસ્તારમાં બની હતી. જ્યાં સુરક્ષા દળો પેટ્રાલિંગ કરી રહ્યા હતા અને સરહદ પર વાડ લગાવવાનું કામ પણ ચાલી રહ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના ચાંગલાંગ જિલ્લાના નામપોંગ સર્કલમાં નામપોંગ નાળા નજીક સવારે લગભગ સાડા છ વાગ્યે બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, 21 આસામ રાઈફલ્સના જવાનો આ વિસ્તારમાં નિયમિત પેટ્રાલિંગ પર હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેટ્રાલિંગ કરી રહેલા દળ પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ અચાનક અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 42 વર્ષીય હવાલદાર જાનખોકાઈ કુક્કીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય ચાર જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષા દળોએ સર્ચ અને કોમ્બિગ ઓપરેશન તેજ કરી દીધું છે. જવાનો વિસ્તારના જંગલો, નાળા અને સરહદની આસપાસના રસ્તાઓની તપાસ કરી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ એ પણ જાણવા પ્રયાસ કરી રહી છે કે હુમલાખોરો પેટ્રાલિંગ દળની કેટલા નજીક આવ્યા હતા, તેમણે કઈ દિશામાંથી ગોળીબાર કર્યો હતો અને હુમલા બાદ કયા રસ્તે ભાગી ગયા હતા.

ચાંગલાંગના પોલીસ અધિક્ષક કિર્લી પાડૂએ જણાવ્યું કે તેમણે ચાંગલાંગ પોલીસ સ્ટેશનના પ્રભારીને સમગ્ર મામલાની માહિતી એકત્રિત કરવા માટે સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર લાંબા સમયથી સંવેદનશીલ માનવામાં આવે છે. ચાંગલાંગ જિલ્લો મ્યાનમાર સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલો છે. અહીં અનેક સ્થળોએ સરહદને હજુ સુધી સંપૂર્ણપણે વાડથી સુરક્ષિત કરવામાં આવી નથી. ગાઢ જંગલો, પહાડી રસ્તાઓ અને સરહદ પારની અવરજવરને કારણે સુરક્ષા દળો માટે આ વિસ્તાર પડકારજનક રહે છે. પૂર્વોત્તરના આ વિસ્તારમાં કેટલાક વિદ્રોહી જૂથો સક્રિય હોવાની માહિતી છે. ચાંગલાંગ ઉપરાંત તિરપ અને લોંગાડિંગ જેવા વિસ્તારોને પણ સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક