• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

પાંચ ચક્રવાતી સિસ્ટમ સક્રિયઃ ચોમાસાની વિદાયમાં વિલંબ

-દેશનાં અનેક રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદનાં એલર્ટ ઃ હવામાન ફરી પલટાયું

નવી દિલ્હી, તા.29ઃ નૈઋત્ય ચોમાસાની વિદાય પહેલા દેશનાં અનેક ભાગોમાં હવામાનનો મિજાજ પલટાઈ ગયો છે. બંગાળની ખાડીમાં બનેલી નવી પ્રેશર સિસ્ટમને કારણે હાલમાં દેશમાં કુલ પાંચ ચક્રવાતી સિસ્ટમ સક્રિય છે અને તેનાં હિસાબે ચોમાસાની વિદાયમાં વિલંબ થઈ રહ્યો છે. કર્ણાટકમાં પણ આજે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી ભારે વરસાદનો દોર ચાલુ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં થયેલી હિમવર્ષાના કારણે દિલ્હી-એનસીઆર, હરિયાણા સહિત ઉત્તર અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં હવામાન બદલાઈ ગયું છે. સતત વરસાદને કારણે ચોમાસાની વિદાય પહેલાં જ ઠંડીનો અહેસાસ વધવા લાગ્યો છે. રાત્રિના સમયે પણ ઠંડક અનુભવાઈ રહી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં આજે પણ ભારે વરસાદ સાથે હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના તાજા અપડેટ અનુસાર, 29 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. વર્તમાન સંજોગો ધ્યાને લેતા આ વખતે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પણ ચોમાસાનો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

આઈએમડીએ તાજેતરના બુલેટિનમાં જણાવ્યું છે કે 30 સપ્ટેમ્બરથી ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં અને 2 ઓક્ટોબરથી મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં મુખ્યત્વે હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. એટલે કે ત્યાં વરસાદની શક્યતા ઓછી રહેશે. જોકે, આગામી 4થી 5 દિવસ દરમિયાન દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

આ ઉપરાંત, પૂર્વી ઉત્તર પ્રદેશના ઉપરના નીચલા ક્ષોભમંડળીય સ્તરે હવામાં ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું છે. ઉત્તર-પૂર્વ આસામના ઉપરના વિસ્તારમાં પણ એક અલગ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. આ ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી તેમજ પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર ઉપર પણ ચક્રવાતી પરિભ્રમણ બનેલું છે. દક્ષિણ ભારતમાં ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશના ઉપરના વિસ્તારમાં પણ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. આ ઉપરાંત, નીચલા ક્ષોભમંડળીય સ્તરે દક્ષિણ તેલંગાણાથી મન્નારની ખાડી સુધી તથા ઉત્તર આંતરિક કર્ણાટકથી તમિલનાડુ સુધી બે ટ્રફ રેખાઓ પણ સક્રિય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક