• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ.1.10 કરોડની ઠગાઈ

સુરત સાયબર સેલે મહારાષ્ટ્રના ત્રણ શખસને ઝડપી પાડયા : બોગસ એપથી રોકાણ કરાવી દેશભરમાં 29 ફરિયાદમાં રૂ.16.13 કરોડની ઠગાઈ

સુરત, તા.29: શેરબજારમાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી સુરતના રોકાણકાર પાસેથી રૂ.1.10 કરોડથી વધુની રકમ પડાવી લેવાના ગુનાનો સુરત સાયબર સેલે પર્દાફાશ કર્યો છે. પોલીસે મહારાષ્ટ્રમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

   આરોપીઓ રાહુલ અલખનાથ રજક (ઉં.વ.27), આશિષ સુરેશ સોનાર (ઉં.વ.37) અને ભૂષણ સુરેશ સેંદાણે (ઉં.વ.34) હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ મોબાઈલમાં ‘એક્સિસ’ નામની બોગસ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ એપમાં ફરિયાદીના નામે ડિમેટ અને ટ્રાડિંગ એકાઉન્ટ બનાવી અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાડિંગના બહાને રૂ.1,10,90,000 ટ્રાન્સફર કરાવ્યા હતા.

બોગસ એપમાં રોકાણ પર મોટો નફો દેખાડી ફરિયાદીને વિશ્વાસમાં રાખવામાં આવ્યો હતો. જોકે, મુદ્દલ અને નફાની રકમ પરત માંગતા આરોપીઓએ ચાર્જ અને ટેક્સના નામે વધુ નાણાંની માંગણી કરી હતી. માત્ર રૂ.5 હજાર ઉપાડવા દઈ બાકીની રૂ.1,10,85,000ની રકમ અટકાવી દેવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે રાહુલે બોગસ ફર્મના નામે આઈડીએફસી બેંકમાં ખાતું ખોલાવી રૂ.10 હજારના કમિશને આશિષને આપ્યું હતું. આશિષે રૂ.30 હજારના કમિશને ભૂષણને અને ભૂષણે રૂ.20 હજાર કમિશન રાખી ખાતું સાયબર ઠગોને સોંપ્યું હતું. આ ખાતામાં ત્રણ મહિનામાં રૂ.12.41 કરોડના વ્યવહારો થયા હતા. દેશભરની 29 ફરિયાદોમાં આ ખાતું સંડોવાયેલું મળી કુલ રૂ.16.13 કરોડની ઠગાઈ સામે આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક