• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

સુપ્રીમમાં બઢતીની ભલામણો સામે સવાલ

-કોલેજિયમે મૂકેલા પ્રસ્તાવ સામે ભૂતપૂર્વ અમલદારોથી લઈને પત્રકારોના આક્ષેપ

નવી દિલ્હી, તા. 29 ઃ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત, દિલ્હી અને તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી. કેલેજિયમે કરેલા પ્રસ્તાવમાં ગુજરાત હાઈકોર્ટના જજ સુનિતા અગ્રવાલ, દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણાના અપરેશ કુમાર સિંહનું નામ સૂચવાયું હતું.

બીજી તરફ, કોલેજિયમની આ ભલામણ હવે તપાસ હેઠળ આવી છે. આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે, આ ન્યાયાધીશોના નામની ભલામણ ન્યાયાધીશોની વરિષ્ઠતા યાદીનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી હતી.

એક મીડિયા હેવાલ મુજબ, ભારતના મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત, ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ બીવી નાગરત્ન, ન્યાયાધીશ એમએમ સુંદરેશ અને ન્યાયાધીશ પીએસ નરાસિંહા સુપ્રીમ કોર્ટ કોલેજિયમના સભ્યોની બેઠકમાં આ ભલામણ કરાઈ હતી. કોલેજિયમની ભલામણ પર સવાલ ઉઠાવનારાઓમાં ભૂતપૂર્વ અમલદારોથી લઈને પત્રકારો સુધીનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ અમલદાર અને તાજેતરના સેલિબ્રિટી આશિષ જોશીએ પણ સોશિયલ મીડિયા પર સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ સામે આક્ષેપ કરવા સાથે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે, વરિષ્ઠતામાં ફેરફાર સંસ્થાકીય ધોવાણ છે. પત્રકાર મનીષ છિબ્બરની પોસ્ટ શેર કરતાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, જ્યારે કોલેજિયમ ટોચના ત્રણ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને બાદ કરતાં અખિલ ભારતીય વરિષ્ઠતા રેન્કિંગમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ક્રમાંકિત ન્યાયાધીશોને બઢતી આપે છે, ત્યારે તે દેશના દરેક ન્યાયાધીશને સંદેશ આપે છે કે બંધ દરવાજા પાછળ વરિષ્ઠતા, સેવા અને અપેક્ષાઓનો કોઈ અર્થ નથી. આ અગાઉ છિબ્બરે આરોપ મુક્યો હતો કે, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ત્રણ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને બઢતીની કરેલી ભલામણ જો કેન્દ્ર સરકાર સ્વીકારે છે, તો સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 37 થઈ જશે. મહિલા ન્યાયાધીશોની સંખ્યા પણ બેથી વધીને ત્રણ થઈ જશે. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક