• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

ટીમ ઇન્ડિયામાં આઠમા નંબરે આવીને પણ રન બનાવે તેવા ખેલાડીની તલાશ

શ્રેષ્ઠ વિકલ્પ માટે વિવિધ ટીમ કોમ્બિનેશનનો ઉપયોગ થશે : ગિલ

નવી દિલ્હી, તા.28 : ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે રવિવારે સ્પષ્ટ કર્યું હતું કે વન-ડે ક્રિકેટમાં ટીમ માટે આઠમા ક્રમના મજબૂત બેટ્સમેનની શોધ હજુ યથાવત્ રહેશે. ગિલે ઉમેર્યું હતું કે ટીમ માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ કયો છે તે સુનિશ્ચિત કરવા આગામી સમયમાં વિવિધ ટીમ કોમ્બિનેશન અજમાવવામાં આવશે.

ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હરાવ્યું હતું. મેચ બાદ પત્રકારો સાથે વાત કરતા ગિલે જણાવ્યું હતું કે, ખરેખર, અમે આઠમા નંબર સુધી બાટિંગની ઊંડાઈ ઇચ્છીએ છીએ. અમને એવા ખેલાડીની તલાશ છે જે નીચલા ક્રમે આવીને ઓછામાં ઓછા 25થી 30 રનનું મૂલ્યવાન યોગદાન આપી શકે.’

ભારતીય કેપ્ટને વર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપતા વધુમાં જણાવ્યું હતું કે, અમે ઘણી વખત એવું નોંધ્યું છે કે, 250/5ના સ્કોર પર ટીમ મજબૂત સ્થિતિમાં હોય છે, પરંતુ અંતિમ ઓવરોમાં અમે ઇચ્છિત ટાર્ગેટ સુધી નથી પહોંચી શકતા. આ જ કારણસર અમારા માટે આઠમા નંબરનું સ્થાન અત્યંત નિર્ણાયક છે. જોકે, ટીમ માટે કઈ રણનીતિ સૌથી વધુ કારગર નીવડશે તે ચકાસવા માટે અમે જુદા-જુદા ખેલાડીઓ સાથે પ્રયોગો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.

 

‘કોહલી હવે સંપૂર્ણ મુક્ત મને રમે’

વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારીને રેકોર્ડ્સની વણઝાર સર્જી દીધી હતી. કોહલીના આ પ્રદર્શનની પ્રશંસા કરતા ગિલે જણાવ્યું હતું કે, વિરાટ પોતાની કારકિર્દીના એવા મુકામ પર છે, જ્યાં તેઓ કોઈપણ જાતના દબાણ વિના અત્યંત મુક્ત મને બાટિંગ કરી શકે છે. કોહલી ક્રિકેટનો પહેલા કરતા વધુ આનંદ ઉઠાવી રહ્યા છે. તેઓ સંપૂર્ણ સ્વતંત્રતા સાથે રમી રહ્યા છે અને ક્રિકેટને માણી રહ્યા છે. તેમની બાટિંગમાં આ બાબતની સ્પષ્ટ ઝલક જોવા મળી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક