• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

સુરતમાં કાપડઉદ્યોગમાં સાપ્તાહિક રજા મુદ્દે વિવાદ : શ્રમિકોની વતન તરફ હિજરત શરૂ

ગાંવ ચલો આંદોલનના કારણે આવનારા દિવસોમાં કાપડ ઉદ્યોગમાં ઉત્પાદન પર માઠી અસર પહોંચવાની સંભાવના

(ફૂલછાબ ન્યુઝ)‘

સુરત, તા. 9 : છેલ્લા ઘણાં દિવસથી સુરતના એમ્બ્રોઇડરી કારખાનાઓમાં કારીગરો અને માલિકો વચ્ચે સપ્તાહિક રજાને અને વેતનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને તાજેતરમાં મશીન માલિકોએ એક સંમેલન બોલાવી કારીગરોની માગો સામે ન ઝુકવાનો નિર્ણય કર્યો હતો. બીજી તરફ કલેક્ટરને આવેદનપત્ર સોપી કારીગરોએ સવેતન સાપ્તાહિક રજાની માગ કરી હતી. કારીગરોની સાપ્તાહિક રજા અને વેતનને લઈને શરૂ થયેલો વિવાદ ગાંવ ચલો આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

કાપડઉદ્યોગમાં કામ કરતાં દસ લાખ શ્રમિકોમાં સાપ્તાહિક રજાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે. આ તરફ મશીન માલિકો દ્વારા કડક વલણ અપનાવવામાં આવતાં મોટી સંખ્યામાં કારીગરોએ વતન તરફ હિજરત કરવાની શરૂઆત કરી છે જેને લઈને આજે શહેરના ઉધના રેલ્વે સ્ટેશને શ્રમિક મુસાફરોની સંખ્યા વધુ જોવા મળી હતી. 

દૈનિક 12 કલાક જેટલું કામ કરવા છતાં સમયસર પૂરો પગાર ન મળવો અને થાક કે બીમારીના કારણે રજા લઈએ ત્યારે વેતન કાપી લેવું કારીગરોની મુખ્ય ફરિયાદ છે. શ્રમિકોનો આક્ષેપ છે કે સપ્તાહિક રજા કે હક્કના નાણાં અંગે રજૂઆત કરનાર કેટલાક કારીગરોને નોકરીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. તંત્ર કે પોલીસ સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતાં આખરે શ્રમિકોએ વતનની વાટ પકડવાની ફરજ પડી હોવાનું જણાવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ પરત ફરી રહેલા શ્રમિકોના જણાવ્યા અનુસાર, કારખાના માલિકો દ્વારા રજા અંગે સ્પષ્ટ નીતિ રાખવામાં આવતી નથી. રજા લેવા પર દિવસનું વેતન કાપી લેવામાં આવતું હોવાથી શ્રમિકો આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે. આ સતત ઘર્ષણથી કંટાળીને હવે શ્રમિકોએ શહેરી રોજગારી છોડીને ગામડે ખેતી, પરંપરાગત કામકાજ કે અન્ય મજૂરી કરીને ગુજરાન ચલાવવાનો આકરો નિર્ણય લીધો છે.

સાપ્તાહિક રજા અને વેતન કપાત અંગે શરૂ થયેલા આ ગાંવ ચલો આંદોલનમાં સુરત શહેર અને જિલ્લાના મોટી સંખ્યામાં શ્રમિકો જોડાયા છે. જેને પગલે આજે શહેરના ઉધના સહિતના મુખ્ય રેલવે સ્ટેશનો પર વતનની વાટ પકડનારા મુસાફરોની ભારે ભીડ અને લાંબી લાઈનો જોવા મળી હતી. કારીગરોની આ વ્યાપક હિજરતને કારણે આવનારા દિવસોમાં કાપડ ઉદ્યોગમાં ઉત્પાદન પર માઠી અસર પહોંચવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક