રાજકોટના કુવાડવા રોડ પરની ટાઉનશીપમાં ચકચાર; બાળકીના નાનાએ અજાણ્યા શખસ પર શંકા વ્યક્ત કરી, બી-િડવિઝન પોલીસે તપાસ તેજ કરી
રાજકોટ, તા.13ઃ રાજકોટના કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ આવેલી શહીદ ઉધમાસિંહ ટાઉનશીપની સી-વિંગમાં બે વર્ષ અને ચાર મહિનાની બાળકીનું પાંચમા માળેથી નીચે પટકાતાં મૃત્યુ નીપજ્યું હતું. સોમવારે સાંજે સાતેક વાગ્યે બનેલી આ ઘટનાથી સમગ્ર ટાઉનશીપમાં ચકચાર મચી ગઈ હતી. બાળકી જે સ્થળેથી નીચે પટકાઈ હતી ત્યાં આશરે ચાર ફૂટ ઊંચી દિવાલ હોવાથી તે જાતે ત્યાં પહોંચી શકે તેમ ન હોવાની પરિવારજનોએ હત્યાની થઇ હોવાની શંકા વ્યક્ત કરી છે. આથી બાળકીનું મૃત્યુ અકસ્માતે થયું કે તેને કોઈએ નીચે ફેંકી દીધી, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
મૃતક બાળકી સ્નેહલ સંજયભાઈ સાકરીયા તેના નાના જગદીશભાઈ બાબુભાઈ પરસોડા, નાના-નાની, મામા અને મામી સાથે ટાઉનશીપના સી-વિંગમાં પાંચમા માળે રહેતી હતી. સ્નેહલની માતા પૂનમબેન અને પિતા સંજયભાઈ વચ્ચે મનમેળ ન હોવાથી પૂનમબેન છેલ્લા એક વર્ષથી રિસામણે પિયરમાં રહેતાં હતાં. સ્નેહલ સાંજે ઉપરના છઠ્ઠા માળે રહેતી બીજી બાળકી સાથે રમવા માટે ઘરેથી નીકળી હતી. થોડી જ વારમાં બાળકી નીચે પટકાઈ હોવાની જાણ થતાં પરિવારજનો દોડી ગયા હતા. બાળકીના નાનાએ આ ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
જગદીશભાઈ પરસોડાના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણેક દિવસથી ટાઉનશીપના પાંચમા માળે કોઈ અજાણ્યો શખ્સ રહેવાસીઓનાં બહાર સૂકવેલાં કપડાં, ચાદર, ગોદડાં અને ચપ્પલ નીચે અથવા પાછળ આવેલા પાર્ટી પ્લોટમાં ફેંકી દેતો હતો. ઘટનાના દિવસે પાડોશમાં રહેતાં વૃદ્ધા વર્ષાબેન બ્રાહ્મણનાં ફૂલછોડનાં બે કૂંડાં પણ નીચે ફેંકી દેવાયાં હતાં. આ હરકતો કરનાર શખ્સને સ્નેહલે જોઈ લીધો હોય અને તેથી તેણે આ કૃત્ય કર્યું હોય તેવી આશંકા નાનાએ વ્યક્ત કરી છે. જોકે, આ અંગે હજુ કોઈ પુરાવો સામે આવ્યો નથી. પરિવારજનોએ ફ્લેટની બહાર સીસીટીવી કેમેરા લગાવવાનું નક્કી કર્યું હતું અને કેમેરા પણ મંગાવ્યા હતા, પરંતુ તે પહેલાં જ આ ઘટના બની ગઈ હતી.
ઘટનાની જાણ થતાં બી-િડવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જી.આર. ચૌહાણ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી અને બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ટાઉનશીપના ઉપરના માળે સીસીટીવી કેમેરા ન હોવાથી આરોપી સુધી પહોંચવા પોલીસ વિવિધ પાસાં તપાસી રહી છે. બાળકીનું મોત કયા સંજોગોમાં થયું અને તેમાં કોઈની સંડોવણી છે કે કેમ તે જાણવા બી-િડવિઝન પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.‘
ત્રણ સેકન્ડમાં માતા પહોંચી, બાળકી ગાયબ!
બાળકીએ ત્રણ વખત ‘મમ્મી’ કહી રાડ પાડી હોવાની વાત સામે આવી છે. માતા ત્રણથી ચાર સેકન્ડમાં ત્યાં પહોંચી ત્યારે બાળકી જોવા મળી નહોતી અને કોઈ અજાણી વ્યક્તિ પણ નજરે પડી નહોતી. આ સંજોગોને પગલે પરિવાર તરફ પણ શંકાની સોય તકાઈ રહી હોવાનું બી-િડવિઝન પીઆઈ જી.આર. ચૌહાણે જણાવ્યું હતું.