(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.26: અમદાવાદના સોલા વિસ્તારમાં તળાવ પાસે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઊંડી
ડ્રેનેજ લાઇનમાં સફાઈ તેમજ સમારકામની કામગીરી દરમિયાન સુપરવાઈઝર સહિત ચાર લોકો અંદર
ખાબક્યા હતા. ઝેરી ગેસની ગૂંગળામણના કારણે બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા
હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે અન્ય 2 લોકોને ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા
વાપરી બહાર કાઢી ગંભીર હાલતમાં તાત્કાલિક સોલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા છે.
પ્રાપ્ત
માહિતી મુજબ સોલામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પમ્પિગ સ્ટેશન પ્લાન્ટમાં
વેલ્ડિગની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. એચ.એન.બી. એજન્સીના
ચાર કર્મચારીઓ પ્લાન્ટમાં વેલ્ડિગનું કામ કરી રહ્યા હતા. પ્રોજેક્ટ મેનેજર રૂપેશ, સાઈટ
સુપરવાઈઝર મનોજ, વેલ્ડિગ કારીગર અભિષેક તથા ડ્રાઈવર નિલેશ આ કામમાં સામેલ હોવાનું જણાયું
હતું. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ખાનગી એજન્સીના કર્મચારીઓ સોલા સુએઝ ટ્રીટમેન્ટ
પ્લાન્ટમાં વેલ્ડિગની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અંદર ગેસ બનતાં કામદારો બેભાન
થઈ ગયા હતા અને પ્લાન્ટની અંદર પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ અસરગ્રસ્ત કામદારોને
બહાર કાઢવા અને અન્ય કામદારોની શોધખોળ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સારવાર મળે
તે પૂર્વે જ મનોજ અને અભિષેકનાં મૃત્યુ થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે, તથા રૂપેશ
અને નિલેશને સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાયું
છે.