• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

મોરબીમાં ઈમ્પોર્ટેડ કોલસાના 21.21 લાખના મુદ્દામાલ સાથે બે શખસ ઝડપાયા

રફાળેશ્વર જીઆઈડીસીના બંધ કારખાનામાંથી 34,660 કિલો ઈમ્પોર્ટેડ પેટકોક ભરેલો ટ્રક કબજે

મોરબી, તા.27: મોરબીની એલસીબી ટીમે રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલા એક બંધ કારખાનામાંથી ઈમ્પોર્ટેડ પેટકોક (કોલસો)નો જથ્થો અને ટ્રક સહિત કુલ રૂ. 21.21 લાખનો મુદામાલ કબજે કર્યો છે. આ મામલે રાજસ્થાન અને બિહારના બે શખસને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી એલસીબીની ટીમ પેટ્રાલિંગમાં હતી, તે દરમિયાન રફાળેશ્વર જીઆઈડીસીમાં જીઓ ગેસ પાછળ આવેલી મિલો ટાઈલ્સ-ક્રાઉન સિરામિકના જૂના બંધ કારખાનામાં ચાલતા કોલસાના ડેલામાં ઈમ્પોર્ટેડ પેટકોક ભરેલો ટ્રક ખાલી કરવા આવ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમે સ્થળ પર દરોડો પાડયો હતો.

દરોડા દરમિયાન ટ્રકમાંથી 34,660 કિલો ઈમ્પોર્ટેડ પેટકોક મળી આવ્યો હતો. આ જથ્થા અંગે કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું છે. એલસીબી ટીમે રૂ. 6.21 લાખની કિંમતનો 34,660 કિલો પેટકોક અને રૂ. 15 લાખની કિંમતનો ટ્રક મળી કુલ રૂ. 21,21,000નો મુદામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મહેન્દ્ર બાબુલાલ મેઘવાલ, રહે. રાજસ્થાન અને સોનુકુમાર ઉમેશચંદ્ર વર્મા, રહે. બિહારને ઝડપી લેવામાં આવ્યા છે. કોલસાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની હેરાફેરી પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક