જેમ જેમ કૅલેન્ડર વર્ષ 2025 પૂરું થવા જઈ રહ્યું છે, રિઝર્વ બૅન્ક સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે વૃદ્ધિ અને સ્થિરતા એકસાથે હાંસલ થઈ શકે છે. આ વર્ષે 100 બેસિસ પૉઈન્ટના સંચિત ઘટાડા પછી રેપો રેટ 5.50 ટકા પર સ્થિર રહ્યો છે અને રિટેલ ફુગાવો 3.34 ટકાની આસપાસ રહ્યો છે. દેશની અર્થવ્યવસ્થામાં સંતુલન જોવા મળી રહ્યું છે - માગને ટેકો મળી રહ્યો છે અને ભાવની વધઘટને કારણે ઊભું થતું દબાણ પણ નિયંત્રણમાં છે.
હાલ
ચાલી રહેલી મોનેટરી પૉલિસીની બેઠક આ વલણ મજબૂત બનાવશે એવી ધારણા છે. મોટા ભાગના વિશ્લેષકો વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટના
સાધારણ ઘટાડાની અપેક્ષા રાખે છે, જે સંભવિત રીતે રેપો રેટ 5.25 ટકા સુધી લાવશે. આ બાબત
નિયંત્રિત ફુગાવામાં અને મજબૂત સ્થાનિક માગમાં રિઝર્વ બૅન્કના વિશ્વાસને પ્રતાબિંબિત
કરે છે. ભૂતકાળનો અનુભવ જોઈએ તો દરમાં ઘટાડો ઘણીવાર બૅન્કો દ્વારા સંપૂર્ણપણે અમલમાં
લવાતો નથી, જેનાથી ગ્રાહકને જે તાત્કાલિક લાભ મળવો જોઈએ તે પ્રક્રિયા નિયંત્રિત થાય
છે. રિઝર્વ બૅન્કની નીતિ વિકાસ તરફી ફિલસૂફીને પ્રતાબિંબિત કરે છે. માગને ટેકો આપવાનો
અર્થ ભાવ સ્થિરતા સાથે સમાધાન કરવાનો નથી. ઘટેલા ફુગાવાને પગલે દરમાં ઘટાડાનો માર્ગ
મોકળો બન્યો છે. હવે વૈશ્વિક અને ઘરઆંગણે આવનારાં જોખમો સામે વિકાસની રફતાર જાળવી રાખવા
જ નહીં પરંતુ એને વેગવાન બનાવવા માટે શું કરવું જોઈએ તે કરવામાં મધ્યસ્થ બૅન્કની કોઠાસૂઝ
કામે લાગશે. રિઝર્વ બૅન્કે ભૂતકાળમાં પણ આ મુદ્દે સાવધાની અને વિશ્વસનીયતા જાળવી રાખીને
ડિસ્ટિંક્શન સાથે સાંગોપાંગ સફળતા મેળવી છે. નીતિ ઘડવૈયાઓ, કંપનીઓના વહીવટદારો અને
આમજનતા માટે એક સંદેશ સ્પષ્ટ છે કે 2026નું વર્ષ એક તક છે. ધિરાણ મેળવનારાઓ પુનર્ધિરાણ
કરી શકશે, ઉદ્યોગો કેપેક્સ વધારી શકશે અને રોકાણકારો પોતાના પોર્ટફોલિયોને વ્યૂહાત્મક
રીતે ઘડી શકશે. પરંતુ તકેદારી અનિવાર્ય રહેશે - ફુગાવાના પ્રવાહો ઉપર ચાંપતી નજર રાખવી
પડશે. અર્થતંત્રમાં પ્રવાહિતાના ફેરફારોને ધ્યાન ઉપર લેવા પડશે અને વૈશ્વિક ઘટનાઓનું
સતત નિરીક્ષણ કરવું પડશે, જે નક્કી કરશે કે 2025માં રિઝર્વ બૅન્કે અપનાવેલી નીતિનો
વાસ્તવિક લાભ અર્થતંત્રના છેવાડાના માણસ સુધી કેટલી હદે પહોંચ્યો છે.
પાંચમી
ડિસેમ્બરની નીતિ ફક્ત વ્યાજદર, રેપો રેટ, લિક્વિડિટીના પ્રવાહો, ફુગાવાની આગાહીઓ અને
વિકાસદરનાં અનુમાનો નહીં હોય, તે દેશની 140 કરોડની જનતા અને તેમનાં ધંધા-રોજગાર તેમ
જ દેશનાં નાનાં-મોટાં તમામ બજારોનાં સેન્ટિમેન્ટ સ્પષ્ટ કરશે. મધ્યસ્થ બૅન્ક માત્ર
અર્થતંત્રનો ચિતાર જ રજૂ નહીં કરે, સાવધાનીપૂર્વક, ઈરાદાપૂર્વક તેમ જ વર્તમાન અને ભવિષ્ય
બંનેને નજર સમક્ષ રાખીને ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાની મજલને
કેટલા વેગથી કાપવી તે પણ નક્કી કરશે.