• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

BLO ઉપર કામનો બોજ ઘટાડો : સુપ્રીમનો નિર્દેશ

SIRથી BLOનાં મૃત્યુ સંબંધિત અરજી ઉપર સુપ્રીમે કહ્યું, જરૂર પ્રમાણે વધારે કર્મચારીને કામે લગાડો, જવાબદારી રાજ્યો : પીડિત પરિવારો વ્યક્તિગત આવેદન મારફતે રાહત માગી શકશે

નવી દિલ્હી, તા. 4 : સુપ્રીમ કોર્ટે એસઆઇઆરની પ્રક્રિયા દરમિયાન બીએલઓનાં મૃત્યુ ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને બીએલઓ ઉપર કામનો બોજ ઘટાડવા નિર્દેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ જવાબદારી રાજ્યોની છે. રાજ્ય સરકારો કામકાજમાં વધારે કર્મચારીને લગાડે જેથી કામના કલાક ઘટાડી શકાય. જો કોઈ કર્મચારી પાસે ફરજમાંથી છૂટ માગવાનું ખાસ કારણ હોય તો સંબંધિત અધિકારી વિચાર કરી શકે છે. જ્યાં 10 હજાર કર્મચારી છે ત્યાં 20 અથવા 30 હજાર કર્મચારીને કામે લગાડી શકાય છે. જો કોઈ બીમાર અથવા અસમર્થ છે તો રાજ્ય વૈકલ્પિક કર્મચારી તૈનાત કરી શકે છે. જો કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય ઇસીઆઇ માટે જરૂરી વર્કફોર્સ લગાડવા મજબૂર છે તેવું નથી, જરૂરિયાતને ધ્યાને લઈને સંખ્યા વધારી શકાશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે એસઆઇઆરની પ્રક્રિયા એક વૈધાનિક કાર્ય હોવાથી રાજ્ય સરકારો વધારાના કર્મચારી ઉપલબ્ધ કરાવશે. જેથી વર્તમાન કર્મચારીઓ ઉપર કામનો બોજ અને કામનાં કલાકમાં ઘટાડો આવી શકે. સીજેઆઈ સૂર્યકાંતે ટિપ્પણી કરી હતી કે બીએલઓ રાજ્ય સરકારના કર્મચારી છે. જો કોઈ બીમાર કે અસમર્થ હોય તો વૈકલ્પિક કર્મચારી તૈનાત થઈ શકે છે. વધુમાં અરજીમાં પીડિતોને વળતરની માગ કરવામાં આવી હતી. જેના ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પ્રભાવિત પરિવાર વ્યક્તિગત આવેદન કરીને રાહત માગી શકે છે.

અરજકર્તા દ્વારા કહેવામાં આવ્યું હતું કે 9 રાજ્ય અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોથી ડેટા આપવામાં આવ્યો છે જયાં એસઆઇઆર ચાલી રહ્યું છે. દરેક રાજ્યમાં એવા પરિવાર છે જેનાં બાળકો અનાથ થયાં છે, માતા-પિતા દૂર થયા છે, કારણ કે ચૂંટણી પંચ બીએલઓને સેક્શન 32ની નોટિસ મોકલે છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા અરજીને પાયાવિહોણી ગણાવી હતી અને કહ્યું હતું કે અરજી ફગાવી દેવી જોઈએ.

તમિલનાડુની રાજનીતિક પાર્ટીની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે એસઆઇઆર દરમિયાન 35-40 બીએલઓનાં મૃત્યુ થયાં છે અને ઘણાને સેક્શન 32 હેઠળ નોટિસ મળી છે કે લક્ષ્ય પૂરું ન થાય તો કેસ દાખલ કરવામાં આવશે. બીએલઓને ધમકાવવામાં આવી રહ્યા છે. આ બીએલઓ આંગણવાડી કાર્યકરો અને શિક્ષક છે. જેઓ સવારે શાળામાં ભણાવ્યા બાદ રાતના ત્રણ વાગ્યા સુધી દસ્તાવેજો અપલોડ કરે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક