• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

રાજકોટમાં યોજાનાર સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાદેશિક કોન્ફરન્સનું ઉદ્ઘાટન મોદીના હસ્તે થશે !

તા. 8-9ને બદલે તા.10-11 જાન્યુઆરીના યોજાવાની શક્યતા: કચ્છ-સૌરાષ્ટ્રમાં આપ અને કોંગ્રેસના વધતા પ્રભાવને નાબૂદ કરવા વડાપ્રધાનને આમંત્રણ અપાયાની ચર્ચા

અમદાવાદ,તા.4 : રાજ્ય સરકારે 2003 બાદ પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત સમિટનું સ્વરુપ બદલ્યું છે. જે મુજબ હવે ગાંધીનગર-મહાત્મા મંદિર ખાતે જાન્યુઆરીમાં યોજવાની થતી સમિટને બદલે રાજ્યમાં ઝોનવાર-પ્રાદેશિક સમિટો (કોન્ફરન્સ) યોજાઈ રહી છે. તાજેતરમાં જ 9-10 ઓકટોબરમાં મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત પ્રાદેશિક વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ દબદબાભેર યોજાઈ ચૂકી છે. હવે બીજી પ્રાદેશિક સમિટ નિયત કાર્યક્રમ મુજબ 8 અને 9 જાન્યુઆરી-2026ના રાજકોટ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર પ્રાદેશિક વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ યોજાવાની હતી. પરંતુ એકાએક આ બીજા પ્રાદેશિક વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું મહત્ત્વ એટલે વધી ગયું છે કે, આ સમિટ 8-9 જાન્યુઆરીને બદલે 10-11 જાન્યુઆરી-2026ના રોજ યોજાશે અને તેનું ઉદ્ઘાટન સંભવત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. 

હાલના તબક્કે તેવું મનાઈ રહ્યું છે કે, તાજેતરમાં કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની જન આક્રોશ યાત્રાએ વ્યાપક રાજકીય અસર ઉભી કરી હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. જો આ સમીકરણો ખરેખર કામ કરી રહ્યાં હોય તો આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા-જિલ્લા અને ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપને રાજકીય પીછેહઠનો સામનો કરવો પડી શકે છે. જે હાલને તબક્કે તો શક્ય ભલે ન જણાતું હોય પણ ચર્ચા એવી છે કે આવી બદલાયેલી રાજકીય સ્થિતિમાં વડાપ્રધાન મોદી સહિત ભાજપ હાઈકમાન્ડ સહેજ પણ જોખમ સહન કરવાના મૂડમાં નથી એટલે આ બીજી પ્રાદેશિક વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સના ઉદ્ઘાટન માટે વડાપ્રધાને ગુજરાતમાં રાજકીય માહોલ બનાવવા મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક