એરપોર્ટ ઉપર લાલ જાજમ બિછાવીને રશિયાનાં રાષ્ટ્રપતિનું સ્વાગત : વડાપ્રધાન મોદી પોતે પહોંચ્યા આવકારો આપવા : રાતે મોદી-પુતિને સાથે ભોજન લીધું
આજે
સત્તાવાર અને શાનદાર ગાર્ડ ઓફ ઓનર : હૈદરાબાદ હાઉસમાં યોજાશે શિખર મંત્રણા : અનેક મોટી
સમજૂતી, સંયુક્ત નિવેદન અને ઘોષણાની સંભાવના
નવી
દિલ્હી, તા.4: યુક્રેન યુદ્ધનાં કારણે રશિયા અને અમેરિકા વચ્ચેનો જોખમી તનાવ અને અમેરિકાનાં
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયામાં ટેરિફ નામે છેડેલા વિશ્વવેપાર યુદ્ધ વચ્ચે આજે
રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બહુપ્રતીક્ષિત ભારત યાત્રાએ આજે મોડી સાંજે રાજધાની
દિલ્હીનાં પાલમ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતાં. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિનને
સુખદ આચકો આપતાં પોતે જ આવકારો આપવા માટે એરપોર્ટ પહોંચી ગયા હતાં. જ્યાં બન્નેએ ભેટીને
એકબીજાનું અભિવાદન કર્યું હતું. એરપોર્ટ ઉપર આવી પહોંચેલા રાષ્ટ્રપતિ પુતિનનું લાલજાજમ પાથરી અને ભારતીય સાંસ્કૃતિક નૃત્યથી શાનદાર સ્વાગત
કરવામાં આવ્યું હતું. જો કે ગાર્ડ ઓફ ઓનર સહિતનું ઔપચારિક સ્વાગત આવતીકાલે શુક્રવારે
સવારે કરવામાં આવશે.
ચાર
વર્ષનાં સમયગાળા બાદ પુતિન વડાપ્રધાન મોદીનાં નિમંત્રણને માન આપીને બે દિવસીય ભારત
પ્રવાસે આવ્યા છે. છેલ્લે તેઓ 2021માં ભારત-રશિયા વાર્ષિક સંમેલન માટે ભારત આવ્યા હતાં.
જો કે ગત વખતની તુલનામાં આ વખતે બદલાયેલા વૈશ્વિક પરિદૃશ્ય વચ્ચે પુતિનની આ ભારત યાત્રા
બેહદ મહત્ત્વપૂર્ણ બની જાય છે. મોદી અને પુતિન વચ્ચેની બેઠક અને તાલમેલ ઉપર આખા વિશ્વની
નજર મંડાયેલી છે.
આજે
આવી પહોંચેલા રાષ્ટ્રપતિ પુતિન અને મોદી વચ્ચે અનૌપચારિક મુલાકાત અને બેઠક થઈ હતી અને
ત્યારબાદ પુતિનનાં સત્કારમાં ભોજન સમારોહ યોજવામાં આવ્યો હતો.
રાત્રે
પીએમ મોદી સાથે સાત લોક કલ્યાણ માર્ગે ડિનર કર્યા બાદ આવતીકાલે સવારે તેમનો સત્તાવાર
કાર્યક્રમ શરૂ થશે. જેમાં સવારે નવ વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું ઔપચારિક સ્વાગત
કરવામાં આવશે. પુતિનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. બાદમાં તેઓ 10 વાગ્યે રાજઘાટ જઈને
મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. 11 વાગ્યે પુતિન અને પીએમ મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસમાં
23મી શિખર બેઠક થવાની છે. આ બેઠક દરમિયાન કારોબાર,
ટેકનિક, અંતરિક્ષ, સામરિક સહયોગ સહિતના અલગ અલગ મુદ્દે વાતચીત થશે. માનવામાં આવે છે
કે પુતિનની ભારત મુલાકાત દરમિયાન મહત્ત્વની ઘોષણાઓ થઈ શકે છે. બાદમાં બન્ને નેતા સંયુક્ત
નિવેદન પણ જારી કરશે.
પીએમ
મોદી અને પુતિન ભારત-રશિયન બિઝનેસ ફોરમને સંબોધિત કરવાનો કાર્યક્રમ છે. રાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મૂ પુતિનનાં સન્માનમાં પાંચમી ડિસેમ્બરના સાંજે ડિનરની યજમાની કરશે. બાદમાં
પુતિન ભારતથી પરત ફરશે. 4-5 ડિસેમ્બરના થનારા આ પ્રવાસ માટે દિલ્હીને કિલ્લામાં તબદીલ
કરવામાં આવ્યું છે. લગભગ 130 સભ્યનું રશિયન પ્રતિનિધિમંડળ પુતિનની સાથે આવ્યું છે.
પુતિનના
પ્રવાસ માટે દિલ્હીની સઘન કિલ્લેબંધી કરતાં હાઇ સિક્યોરિટી ઝોન બનાવવામાં આવ્યો છે.
રશિયાની એડવાન્સ સિક્યોરિટી ટીમના 50થી વધારે સભ્યો પહેલાથી જ દિલ્હી પહોંચી ચૂક્યા
હતાં. આ ઉપરાંત દિલ્હી પોલીસ, સેન્ટ્રલ સિક્યોરિટી, પેરામિલિટ્રી અને એનએસજી કમાન્ડો
મુખ્ય ભૂમિકામાં છે. સુરક્ષામાં ટેક્નોલોજીની ભૂમિકા પણ મહત્ત્વની છે. જેમાં ડ્રોન,
સીસીટીવી અને એન્ટી ડ્રોન ગન્સ વગેરે સામેલ છે.