પૌરાણિક પર્વત ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના પરંપરાગત મેળાનો આરંભ થશે. ભાવિકોની શ્રદ્ધા અને આસ્થા અહીં જેટલા દૃઢ છે તેટલી જ કસોટી પ્રશાસન અને સુરક્ષાકર્મીઓની છે. વર્ષોથી આ મેળાનું અનોખું મહત્ત્વ છે. ગુજરાત અને ગુજરાત બહારથી થોકે થોકે લોક અહીં ઉમટે. આ વર્ષે આ મેળાને ‘િમનિકુંભ’નો દરજ્જો અપાયો છે. વરસાદ-વાવાઝોડાને કારણે કારતક માસમાં લીલી પરિક્રમા પણ પ્રતીકાત્મક થઈ હતી. તેથી આ વર્ષે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વધારે સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી સંભાવના છે. મિનિ કુંભની વ્યવસ્થા ‘મહા’ થઈ રહી છે.
હિન્દુ
ધર્મના તીર્થો અને ત્યાં યોજાતા વિવિધ પર્વો માટેની શ્રદ્ધા જેમ વધી રહી છે તેમ આ સ્થળોનો
પ્રચાર-પ્રસાર પણ વધી રહ્યો છે. ગયા વર્ષે યોજાયેલા મહાકુંભને લીધે પ્રયાગરાજ જગતભરના
માધ્યમો-સોશિયલ મીડિયામાં છવાયેલું રહ્યું હતું. ગુજરાત અને ભારતના આવા તીર્થોના વીડિયો
હવે એટલા સુંદર રીતે વાયરલ થાય છે કે, ક્યારેય ત્યાં ન ગયેલા લોકોને પણ જવાનું મન થાય.
મેળા કે અન્ય ઉત્સવોના સ્થળે યાત્રીઓ માટેની સુવિધા, પરિવહનના વધેલા વધતા વિકલ્પો અને
સરકારના પ્રોત્સાહક અભિગમને લીધે પણ ભીડ વધે છે.
જૂનાગઢમાં યોજાયેલો મહાશિવરાત્રીનો મેળો પણ તેમાંનો એક છે. આ પર્વની ઉજવણી સુરક્ષિત,
સુચારૂ રીતે થાય તે માટે જૂનાગઢનું પ્રશાસન સજ્જ છે. આ વર્ષે નાગા સાધુઓની રવેડીનો
રૂટ પણ લંબાઈ દેવાયો છે. આમ તો પ્રથમ દિવસથી જ શિવરાત્રી મેળામાં લાખો લોકોની મેદની
ઉમટે, જૂનાગઢ જતી બસ ટ્રેન ભરચક હોય. જ્યારે વાહન વ્યવહારના વિકલ્પ મર્યાદિત હતા ત્યારે
ટ્રેનની કે બસની ઉપર બેસી લોકો જૂનાગઢ પહોંચતા તે દૃશ્યો બે દાયકા જ જૂના થયા છે. હવે
તે સ્થિતિ નથી પરંતુ સંખ્યા ઘણી વધી છે.
મોટી
સંખ્યામાં લોકો આવે તેને લીધે ધક્કામુક્કીની સંભાવના રહે, 2012માં આવી એક દુર્ઘટના
બની પણ હતી. જેમણે આ વિસ્તાર જોયો છે, તેમને ખ્યાલ છે કે, ગિરનાર રોડની પહોળાઈ વધારે
નથી. આ પાંચ દિવસ અને તેમાં પણ છેલ્લા દિવસે તો લાખો ભાવિકો ઊમટે. સાંજ પછી ભવનાથ મહાદેવ
પહોંચી શકાય નહીં. ભીડ-ધક્કામુક્કીની સ્થિતિ નિવારવા પ્રશાસન સતત પ્રયત્નશીલ રહે છે
સાથે જ આ સ્તરના ધાર્મિક ઉત્સવ ઉપર વિઘાતક પરિબળોનો ડોળો મંડરાય નહીં તેની પણ બહુ તકેદારી
રાખવી પડે. સુરક્ષાના અતિ ચુસ્ત બંદોબસ્તને પણ કોણ, ક્યારે એક ક્ષણમાં ભેદી જાય તે
નક્કી કહેવાય નહીં. અન્ય તીર્થોની સુરક્ષા અને ભવનાથ મેળાની સલામતીમાં ઘણો મોટો તફાવત
છે. આ તમામ દૃષ્ટિએ શિવરાત્રીનો મેળો તંત્ર માટે ઉલ્લેખનીય છે. મિનિકુંભના દરજ્જાને
લીધે આ વર્ષે વાહનોની અવરજવર મેળાના રૂટ ઉપર પ્રતિબંધિત છે. દર વર્ષે વીઆઈપી કલ્ચરનું
પણ પોલીસને ભારોભાર ટેન્શન હોય છે. નેતાઓ, તેમના સગાના વાહનો છેલ્લે સુધી પહોંચાડવા
અને તેમને બેસાડવા સુધીની વ્યવસ્થા તંત્રવાહકોના હાથમાં હોય છે. ધાર્મિક લાગણી ન દુભાય,
બંદોબસ્ત પણ જળવાય તે વધુ એક સાથે જોવાની જવાબદારી અને તેમાં આ લાખો લોકોની સુરક્ષા
તો ખરી જ એટલે મેળાની આ વ્યવસ્થા એક રીતે પડકાર છે. મહદ અંશે ગ્રામ્ય વિસ્તારની પ્રજા
આ મેળામાં હોય, પાણીથી લઈ ખાદ્ય પદાર્થોની સ્વચ્છતાના તમામ પ્રયાસ છતાં તેમાં સો ટકા
સફળતા મળવાની સંભાવના ઓછી. મેળામાં આવતા લોકો પણ ગંદકી માટે નિમિત્ત તો ખરા. આ સંજોગોમાં
પર્યાવરણ, ગિરનારનું વાતાવરણ જાળવવાનો પણ પડકાર દર વર્ષે પરિક્રમા અને શિવરાત્રીના
મેળામાં હોય. આ વર્ષે પણ આવા તમામ પગલા સાથે મેળાનો આરંભ બુધવારથી થશે.
સુરક્ષા
કે સ્વચ્છતા, ટ્રાફિક કે વીઆઈપી બંદોબસ્ત. આ બધી જ જરૂરી છતાં દુન્યવી બાબતોથી ઉપર
છે. ગિરનારી તત્વ. મહાભારતમાં પણ જેનો ઉલ્લેખ છે. જેનું આયુષ્ય હિમાલયથી પણ વધારે છે
તેવા ગિરનારના ‘આધ્યાત્મિક સ્પંદનો’ વિશિષ્ટ છે. મહાશિવરાત્રી પર્વ અને તેના મેળા સાથે
અને તે સિવાય પણ ગિરનાર ક્ષેત્રનું મહત્ત્વ વિશિષ્ટ છે એના આંગણે આવેલું આ મહાપર્વ
નિર્વિધ્ને પાર પડે, ગિરનારની ધાર્મિક મહત્તા પણ ઓછી ન થાય અને તેનું પર્યાવરણ પણ નુક્સાન
ન પામે તેવી રીતે આ પર્વ સંપન્ન થાય તે જરૂરી છે. ગિરનાર ટકશે તો ભવોભવ આ પર્વ પણ ટકશે.