આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ને કારણે આઈટી ક્ષેત્રમાં ભારે ઉથલપાથલ સર્જાશે એવી દહેશત ઝડપભેર વાસ્તવિકતામાં પલટાઈ રહી છે. એઆઈ ક્ષેત્રની મહાકાય કંપની એન્થ્રોપિકે તેનું કલાઉડ કોવર્ક નામનું એઆઈ સાધન બજારમાં મૂકતા વાર જ આઈટી સોફ્ટવેર કંપનીઓમાં ખળભળાટ મચી ગયો. દુનિયાભરમાં તેમના શેરોમાં વેચવાલી નીકળી અને રોકાણકારોના 285 અબજ ડોલર ધોવાઈ ગયા. ભારતમાં પણ નિફ્ટી આઈ ટી ઇન્ડેક્સ 8 ટકા ગબડી પડ્યો અને ટીસીએસ પાંચ વર્ષના તળિયે પહોંચી ગયો. એન્થ્રોપીકનું બજારમૂલ્ય 350 અબજ ડોલર અંકાય છે.
રોકાણકારોના
ગભરાટનું કારણ ક્લાઉડ કોવર્કની વર્તમાન અને સંભવિત ક્ષમતામાં રહેલું છે. કોવર્ક એક
ઓપન સોર્સ પ્લગઈન છે જે લીગલ, સેલ્સ, માર્કાટિંગ, ફાઇનાન્સ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ગ્રાહક
સેવા, ડેટા એનાલિસિસઅને સંશોધન જેવા અનેક વિભાગોનાં વિવિધ પ્રકારનાં કામોનું ઓટોમેશન
કરી શકે છે. દાખલા તરીકે તેનું લીગલ પ્લગઈન કંપનીના કાનૂની વિભાગ માટે કોન્ટ્રાક્ટોની
સમીક્ષા અને કાનૂનપાલન જેવા કામો ઝડપથી કરી આપે તો સેલ્સ પ્લગઈન કંપનીને ગ્રાહકો શોધવા,
ગ્રાહકો સુધી પહોંચવું, પુરવઠાની પાઈપલાઈન સંભાળવી અને સોદાની રણનીતિ ઘડવી જેવાં કામોમાં
સહાય કરી શકે.
બજારમાં
કડાકો બોલી જવાનું કારણ એ કે આ એજાન્ટિક (સ્વતંત્રપણે વિચારી, નિર્ણય લઈને કામ કરી
શકે તેવા) એઆઈ પ્લગ ઈન માણસોનું જ નહીં, પણ તેમનો ઉપયોગ કરનાર કંપનીઓનું પણ સ્થાન લઇ
શકે. જો ક્લાઉડ કોવર્ક જેવા બહુ હેતુક એજાન્ટિક એઆઈ ટૂલ બીજા 11 ઓપન સોર્સ અને કસ્ટમાઈઝડ
પ્લગઈનની મદદથી સંશોધન, એનાલિસિસ, કાનૂની દસ્તાવેજોની સમીક્ષા અને તેને લગતું કામકાજ
પહેલેથી છેલ્લે સુધી પરંપરાગત સોફ્ટવેર કંપનીઓની સહાયતા વગર પોતાની મેળે કરી શકે તો
અત્યારનો મોટાભાગનો સોફ્ટવેર નકામો થઇ જાય. આજે જે સોફ્ટવેર કંપનીઓ કમર્ચારીઓની સંખ્યાના
આધારે બિલ બનાવે છે તેમનું અસ્તિત્વ જોખમમાં આવી પડે. એન્થ્રોપિકનાં સ્થાપક ડારિઓ આમોડીએ
હમણાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કહ્યું હતું કે સોફ્ટવેર એન્જીનીયરો જે કરે છે તે બધાં
જ કામ એઆઈ કરવા લાગે તેને માત્ર છથી બાર મહિનાની વાર છે. અત્યારે આઈટી કંપનીઓ એઆઈ સાધોનો
ઉપયોગ કરીને સેવાઓ પૂરી પાડે છે. પરંતુ એન્થ્રોપિકનું અદ્યતન સાધન તેને જ સેવાનું સાદ્યન્ત
માલિક બનાવે છે અને તેને આઈટી કંપનીનો સીધી હરીફાઈમાં મૂકે છે. એન્જીનીયરીંગ ઉપરાંત
ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ જેવાં કામોમાં પણ એજાન્ટિક એઆઈ સાધનો કર્મચારીઓને સીધી મદદ
કરે છે. ભારતીય કંપનીઓ આમ પણ ગ્રાહકો દ્વારા ખર્ચઘટાડાની સમસ્યાથી પરેશાન હતી. તેમાં
આ ઘટનાએ અને તેના કરતાં વધુ તો તેની અપાર શક્યતાઓએ તેમની મુશ્કેલી વધારી છે. ઉદ્યોગના
આશાવાદીઓ કહે છે કે આઈટી કંપનીઓ આ પડકારમાંથી વધુ સક્ષમ બનીને બહાર આવશે. પરંતુ રોકાણકારોને
હાલમાં એવો વિશ્વાસ બેસતો નથી. આમ છતાં આઈટી કંપનીઓ એકાએક બંધ પડી જશે એમ ધારી લેવું
વધુ પડતું છે. લાંબા સમયથી અસ્તિત્વમાં રહેલી વ્યવસ્થાઓ, નિયમો અને એઆઈનો વાસ્તવિક
ખર્ચ પરિવર્તનનું સ્વરૂપ નક્કી કરશે. આગળ ઉપરનો ઘટનાક્રમ અનિશ્ચિત છે.