ભારત અને અન્ય દેશના પર્યટન સ્થળોએ જનાર પ્રજામાં ગુજરાતીઓ વર્ષોથી અગ્રીમ રહ્યા છે. દેશના કોઈપણ ખૂણે, કોઈપણ વેકેશનમાં ફરવા જઈએ ત્યારે થેપલા-છુંદો, ખાખરા લઈને આવેલા પરિવાર ન મળે તો જ નવાઈ લાગે. ગુજરાત માટે હર્ષ અને સફળતાની વાત એ છે કે, અહીં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે અને ગુજરાત દેશમાં વિદેશી પર્યટકોને આકર્ષતું અને આવકારતું ત્રીજા ક્રમનું રાજ્ય બન્યું છે. પ્રવાસન ક્ષેત્રે વધેલા વિકલ્પો અને વિસ્તરેલી ક્ષિતિજનો આ પુરાવો છે. પ્રાકૃતિક સ્થળો અને પરમેશ્વરના ધામનો સમન્વય મુસાફરોને આકર્ષી રહ્યો છે.
સદીઓથી
વિદેશી પ્રવાસીઓ અહીં આવતા રહ્યા છે પરંતુ તે કોઈ એકલપંથી હોય કે પછી નાના જૂથમાં હોય
અહીં આખી વાત જુદી છે. ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્ર હવે એક મોટો ઉદ્યોગ બની ચૂક્યું છે.
ઈન્ડીયા ટુરીઝમ ડેટા કમ્પેન્ડીયમ 2025ના તારણ અનુસાર 2024માં ભારતમાં વિદેશી પ્રવાસીઓ
આવ્યા તેમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. 1640 કિલોમીટરથી વધારે લંબાઈ ધરાવતો સાગર કિનારો
અનેક પ્રવાસન ધામ પોતાના ખોળે સાચવી રહ્યો છે. શિવરાજપુર, અહમદપુર-માંડવી, કચ્છ-માંડવી
સહીતના બીચ વિકસ્યા છે ત્યાં રાજ્ય અને દેશ ઉપરાંત આ વિદેશી પ્રવાસીઓ આવે છે. ગીરનું
જંગલ જૈવિક વૈવિધ્યથી સભર છે અને સિંહ તે જંગલનો રાજા છે. બીજી તરફ વન્ય સંપદાની અન્ય
સાઈટસ પણ વિકસી છે.
સ્ટેચ્યુ
ઓફ યુનિટી પ્રાકૃતિક વાતાવરણમાં માનવસર્જીત કૌશલ્યનું મોટું સ્થાન છે. વિદેશ વસતા ભારતીયો
દેશમાં આવે ત્યારે શક્ય હોય ત્યાં સુધી દ્વારકા અને સોમનાથના દર્શનનો લહાવો ચૂકતા નથી.
કચ્છનું સફેદ રણ તો નવેમ્બર થી ફેબ્રુઆરી સુધીમાં પર્યટકોથી ઉભરાય છે. રોડ ટુ હેવન
પર હવે ટ્રાફિક જામની સ્થિતિ હોય છે.
આ
બધા સ્થળ વર્ષોથી હતા. 2010માં ગુજરાત રાજ્ય સરકારે પ્રવાસનની નવી નીતિનો અમલ કરીને
દેશ-િવદેશના પ્રવાસીઓને આકર્ષ્યા. મહાનાયક અમિતાભ બચ્ચને ગિરિકંદરાઓ, સફેદ રણ અને મહેલોની
દિવાલ વચ્ચેથી દુનિયાને કહ્યું ‘કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં’
સરકારે પ્રવાસન ધામનો વિકાસ કર્યો. રસ્તાના નેટવર્ક વિકસાવ્યા. હોટલ ઉદ્યોગ
પણ ઉત્તેજન પામ્યા. એક સમય એવો હતો જ્યારે વેકેશન કે ચોક્કસ દિવસોમાં જ વિવિધ સ્થળોએ
લોકો જતા તેને બદલે હવે બહુ ઓછા દિવસો તેવા હોય છે જ્યારે પ્રવાસીઓની મોટી સંખ્યા નથી
હોતી. વિદેશથી પ્રવાસી વધારે સંખ્યામાં આવ્યા છે તેને લીધે ગુજરાત અને ભારતની છબી પણ
વધારે ઉજળી થઈ છે ઉપરાંત વિદેશી હુંડીયામણની આવકથી લઈને અન્ય બાબત પણ ઉમેરાઈ છે. પ્રવાસન
નીતિને વધુ સુદૃઢ બનાવવામાં આવે, ગુનાખોરીનું પ્રમાણ વધે નહીં તેની તકેદારી રહે અને
પ્રવાસના સ્થળો પરની સુવિધા વધારે ને વધારે વિકસે તો આગામી દિવસોમાં ગુજરાત વિદેશી
પ્રવાસી સંદર્ભે પ્રથમ સ્થાને હોય તો પણ આશ્ચર્ય નહીં થાય.