શ્રીલંકાના રાષ્ટ્રપતિનો ફોન ગેમ ચેન્જર સાબિત થયો
15
ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત-પાકિસ્તાન ટક્કર થશે
નવી
દિલ્હી/લાહોર, તા.10 : પાકિસ્તાનની ટી-20 વિશ્વ કપના ભારત વિરુદ્ધના મેચ બહિષ્કારનો
નિર્ણય ધારણા અનુસાર પોકળ પૂરવાર થયો છે. ફરી એકવાર પાકિસ્તાનની પૂરા વિશ્વ સમગ્ર બેઇજ્જતી
થઈ છે. આઇસીસીનાં આકરાં વલણ અને મિત્ર દેશોના અનુરોધ સામે પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું
હતું અને સોમવારે રાત્રે ભારત સામેના મેચ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. આથી
પાછલાં એક સપ્તાહથી ચાલ્યા આવતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)નાં નાટકનો અંત આવ્યો
હતો. હવે વર્લ્ડ કપના શેડયૂલ અનુસાર 1પ ફેબ્રુઆરીએ - રવિવારે કોલંબોમાં ભારત અને પાકિસ્તાનની
ટક્કર થશે. પીસીબીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ મૂકી જણાવ્યું હતું કે મિત્ર
દેશોના અનુરોધને ધ્યાને રાખીને પાકિસ્તાન ટીમને ભારત સામેના મેચ રમવા માટે મંજૂરી આપી
દેવામાં આવી છે.
પાછલા
કેટલાક દિવસથી આ મામલે આઇસીસી અને પીસીબીના અધિકારીઓ વચ્ચે મંત્રણાનો દોર ચાલી રહ્યો
હતો. ગઈકાલે આઇસીસીના બે પ્રતિનિધિ લાહોર પહોંચ્યા હતા. આ દરમિયાન પીસીબીએ બહિષ્કાર
પાછો ખેંચવા માટે કેટલીક ગેરવાજબી શરતો મૂકી હતી. જે આઇસીસીએ ઠુકરાવી દીધી હતી. આ પછી
સોમવારે રાત્રે પાક. પીએમ શાહબાઝ નવાઝ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે
વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. જે ગેમ ચેન્જર સાબિત થઈ હતી. રિપોર્ટ અનુસાર બન્ને નેતા
વચ્ચે 30 મિનિટ ફોન પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિએ 1996ના વિશ્વ
કપનો દાખલો આપ્યો હતો ત્યારે સુરક્ષાનાં કારણોને લીધે અન્ય દેશોની ટીમોએ શ્રીલંકા આવવાની
ના પાડી દીધી હતી ત્યારે ભારત અને પાકિસ્તાનની સંયુક્ત ટીમે કોલંબો આવીને શ્રીલંકા
પ્રત્યે વફાદારી દર્શાવી હતી. આ ઐતિહાસિક દોસ્તીનો હવાલો આપીને પાકિસ્તાનને મેચ રમવા
માટે મનાવ્યું હતું.