• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

લોકસભામાં કેમ ન ગયા PM મોદી ? વિપક્ષી મહિલા સાંસદોનો વીડિયો જારી

સંસદીય કાર્યમંત્રી રિજિજૂએ કહ્યું, જો અમારાં મહિલા સાંસદોને બાખડવા દીધા હોત તો વરવાં દૃશ્યો સર્જાત

નવીદિલ્હી, તા.10 : લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરક્ષા કારણોસર ગૃહમાં ગયા નહોતા. વિપક્ષી મહિલા સાંસદોએ તેમનાં ઉપર હુમલો કરવાનું કાવતરું કર્યાનો આરોપ પણ મુકાયો હતો. ત્યારથી વિપક્ષ તરફથી વડાપ્રધાન ઉપર હુમલા કરવામાં આવી રહ્યાં છે ત્યારે આજે વળતા જવાબમાં કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ સોશિયલ મીડિયામાં 4 ફેબ્રુઆરીનો લોકસભાની અંદરનો એક વિડીયો જાહેર કર્યો છે. જેમાં જોવા મળે છે કે, વડાપ્રધાનનાં ભાષણની થોડી મિનિટ પહેલા જ કોંગ્રેસનાં મહિલા સાંસદો વડાપ્રધાનની બેઠક પાસે એકઠા થઈ ગયાં હતાં.

આ વીડિયો અનુસાર મંત્રીગણના વારંવારનાં અનુરોધ પછી પણ આ મહિલા સાંસદો ત્યાંથી હટવા તૈયાર નહોતાં. તેમની પાસે બેનર હતાં અને તેમાં લખેલું હતું જે ઉચિત લાગે તે કરો. રિજિજૂએ આરોપ લગાવ્યો કે, જો ભાજપ સાંસદોને રોકવામાં ન આવ્યા હોત તો સ્થિતિ ગંભીર બની હોત. તેમણે કોંગ્રેસ ઉપર સંસદની ગરિમાને હાનિ પહોંચાડવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, મહિલાઓ વચ્ચે ટકરાવની સ્થિતિ પણ પેદા થઈ શકી હોત. રિજિજૂએ આગળ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, કોંગ્રેસને પોતાના સાંસદોનાં ઉતરતા વર્તન ઉપર ગર્વ છે. જો અમે ભાજપ સાંસદોને ન રોક્યા હોત, મહિલા સાંસદોને કોંગ્રેસ સાંસદો સામે બાખડવા દીધા હોત તો દૃશ્ય ખૂબ જ ખરાબ સર્જાયા હોત. સંસદની ગરિમા અને પવિત્રતાની રક્ષા કરવી અમારી જવાબદારી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાન ફરી ઘૂંટણિયે : ભારત સામેના મેચ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો February 11, Wed, 2026