સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તપાસ કરવા કહ્યું, જરૂર પડયે રાજ્યોને કડક આદેશ આપવાની તૈયારી પણ દેખાડી
નવીદિલ્હી,તા.10:
લાપતા થઈ જતાં બાળકોના સમાચારો મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે
કે, શું આની પાછળ કોઈ દેશવ્યાપી નેટવર્ક તો નથી ને? તેની તપાસ કરવામાં આવે. અદાલતે
સરકારને કહ્યું છે કે, તપાસ કરો કે સમગ્ર દેશમાં આવું કોઈ નેટવર્ક કાર્યરત છે કે પછી
માત્ર કોઈ એક રાજ્યમાં જ રાજ્યસ્તરે આવી પ્રવૃત્તિ ચાલી રહી છે.
છેલ્લા
કેટલાક દિવસોમાં બાળકો ગાયબ થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. ન્યાયમૂર્તિ બી.વી.
નાગરત્ના અને ન્યાયમૂર્તિ ઉજ્જલ ભૂઈયાંએ કહ્યું કે આવી ઘટનાઓની પાછળ કોઈ એક જ પેટર્ન
છે કે નહીં, અથવા આ ઘટનાઓ એકબીજા સાથે સંબંધિત છે કે નહીં, તેની તપાસ થવી જરૂરી છે.
અદાલતે કેન્દ્ર સરકારને તમામ રાજ્યો પાસેથી આવા કેસોની વિગતો એકત્રિત કરવા માટે જણાવ્યું
છે.
આ
દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી હાજર રહ્યા હતા. તેમણે
જણાવ્યું હતું કે, કેટલાક રાજ્યો દ્વારા બાળકો લાપતા થવાનો ડેટા આપવામાં આવ્યો છે.
આવા કેસોમાં ચાલી રહેલા મુકદ્દમાઓની સ્થિતિ (સ્ટેટસ) પણ મળી છે, પરંતુ હજી પણ લગભગ
એક ડઝન જેટલા એવા રાજ્યો છે જ્યાંથી માહિતી મળી નથી. ઐશ્વર્યાએ કહ્યું કે કેન્દ્ર સરકાર
સંપૂર્ણ ડેટા મળ્યા બાદ જ તેનું વિશ્લેષણ કરી શકશે. જેને પગલે અદાલતે કહ્યું હતું કે,
જાણવા માંગીએ છીએ કે તેની પાછળ કોઈ રાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક છે કે પછી રાજ્ય સ્તરે
જ કંઈક ચાલી રહ્યું છે. બેન્ચે સરકારને સૂચન આપ્યું કે જે બાળકોને અપહરણમાંથી બચાવવામાં
આવ્યા છે, તેમના ઇન્ટરવ્યુ લેવામાં આવવા જોઈએ. તેનાથી આ પ્રકારની ઘટનાઓને અંજામ આપનાર
કોણ છે તેનો અંદાજ આવી શકે. આ ઉપરાંત, જેમણે હજુ સુધી ડેટા આપ્યો નથી એવા રાજ્યોના
વલણ પર પણ કોર્ટે આપત્તિ વ્યક્ત કરી હતી. કોર્ટે આગળ કહ્યું હતું કે, જરૂર પડશે તો
આ મામલે અમે કોઈ કડક આદેશ પણ જારી કરી શકીએ છીએ.
હકીકતમાં,
અદાલતે 9 ડિસેમ્બરે જ કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તે છેલ્લા 6 વર્ષનો દેશવ્યાપી
ડેટા એકત્રિત કરે, જેથી ખબર પડી શકે કે કેટલા બાળકો ક્યાંથી અને ક્યારે અપહરણ થયા છે.
અદાલતે ગૃહ મંત્રાલયને દેશભરનો ડેટા સંકલિત કરવા માટે આદેશ આપ્યો હતો. ઉપરાંત, અદાલતે
એવું પણ કહ્યું હતું કે આ સમગ્ર ડેટા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ
કરવામાં આવે. ગયા વર્ષે 18 નવેમ્બરે આવેલી એક રિપોર્ટમાં જણાવાયું હતું કે દેશમાં દર
8 મિનિટે એક બાળક ગાયબ થઈ જાય છે, જે અત્યંત ગંભીર મુદ્દો છે. આ બાબતે અદાલતે કહ્યું
હતું કે મામલાની જટિલતા જોતા સરકાર ડેટા એકત્રિત કરે અને પછી યોગ્ય મિકેનિઝમ તૈયાર
કરે, જેથી આવા કેસોને અસરકારક રીતે સંભાળી શકાય.