• શનિવાર, 21 માર્ચ, 2026

માવઠાં રુપે ફરી માઠી

આભ વરસે, સમયસર વરસે તો ખેડૂતોને ગમે પરંતુ ગુજરાતના ખેડૂતો ઉપર વારંવાર આભ તૂટી પડતું હોય તેવું લાગે છે અને તેમની સ્થિતિ એવી થાય છે કે આભ ફાટે ત્યાં થીગડું ક્યાં દેવું ? ગુરુવારે હજી તો ચૈત્ર માસનો આરંભ થયો, કાળઝાળ ગરમીના દિવસો શરૂ થયા, દનૈયા તપવાનો સમય આવ્યો ત્યાં તો વરસાદે દે ધનાધન કર્યું. ચૈત્રમાં તડકાની તીવ્રતા જેટલી હોય તેના ઉપરથી ચોમાસું કેવું રહેશે તે નક્કી થાય તેના બદલે ચૈત્રના પ્રથમ દિવસે ગુજરાતના અનેક વિસ્તારો ઉપર તોફાની વરસાદ તૂટી પડયો. નુકસાન તો ઘણું થયું તેમાં કૃષિક્ષેત્ર મુખ્ય છે. આગામી દિવસોમાં પણ આવી સિસ્ટમ બંધાઈ રહી હોવાના વરતારા ખેડૂતોને ડરાવી રહ્યા છે.

માવઠાંની શક્યતા હતી પરંતુ તેનું સ્વરુપ આટલું ભયાનક હશે તેનો કોઈને ખ્યાલ નહોતો. રાજકોટમાં બપોરે જે વરસાદ થયો તે શહેરીજનોએ નજીકના ભૂતકાળમાં જોયો નથી. આકાશમાથી વીસ મિનિટ પાણીને બદલે કરા જ પડયા અને વાવાઝોડાં સાથે તે પ્રક્રિયા થઈ. જામનગર, દ્વારકામાં પણ સ્થિતિ એ હતી. ગ્રામ્ય અર્થતંત્રની સામે ફરી એકવાર અનિશ્ચિતતાના પ્રશ્નો ઊભા થઈ ગયા છે. ચૈત્ર કે માર્ચ માસ રવિપાકના પાકવાની ઋતુ ગણાય છે. ખેતરમાં આ પાક ઊભો હતો અને તે લણવાની પ્રક્રિયા તદ્દન નજીકના દિવસોમાં શરૂ થવાની હતી ત્યાં જ અંતિમ તબક્કે કુદરતે થપાટ મારી. હજી નુકસાનનો અંદાજ તો આવવો મુશ્કેલ છે પરંતુ અઢી લાખ હેક્ટર કરતાં વધારે વિસ્તારમાં પાક હતો તે નક્કી  છે.

ઘઉં, ચણા, જીરું અને ધાણાના પાકમાં નુકસાન થયું છે. કપાસનું વાવેતર પણ ક્ષતિ પામ્યું છે. ઘઉંનું નુકસાન વધારે છે. જીરું અને ચણાના પાકને તો 50 ટકા જેટલું નુકસાન થયાની વાત છે. રાજકોટના બેડી પાસેના માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો જથ્થો તણાતો હોવાના દૃશ્યો સામાન્ય માણસને પણ રડાવી દે તેવા છે. ખેડૂતો માટે આ ફક્ત આંકડા નથી પરંતુ આખા વર્ષનો પરસેવો માવઠું તાણી ગયું છે. સૌરાષ્ટ્રમા કેરીના પાકને પારાવાર નુકસાન થયું છે. બે અઠવાડિયા પછી કેસર કેરી યાર્ડ અને બજારમાં આવવાની શરૂ થાય. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પડેલા વરસાદે વીજથાંભલા અને વૃક્ષોને નુકસાન કર્યું છે. વરસાદી પાણી ભરાવાની સમસ્યા આગામી ચોમાસે પણ યથાવત્ રહેશે તેનો સંકેત શહેરના ફક્ત દોઢ ઈંચ વરસાદે આપી દીધો છે.

ચોમાસું નબળું જાય કે અતિવૃષ્ટિ થાય અને જે નુકસાન જાય તેનાથી ખેડૂત ટેવાયેલા હતા પરંતુ આ માવઠાં, વર્ષમાં બે થી ત્રણ વાર વરસતો વરસાદ એ કુદરત સાથે મનુષ્યો દ્વારા થયેલા ચેડાનું, ગ્લોબલ વોર્મિંગ- જળવાયુ પરિવર્તનનું પરિણામ છે. ગયા ઓક્ટોબર-નવેમ્બરમાં વરસાદ પડયો હતો તેને લીધે નુકસાન થયું હતું. સરકારે સહાય તો કરી હતી પરંતુ પૈસાથી નષ્ટ થયેલું ધાન થોડું ઉગે ? આ વર્ષે હજી આખો ઊનાળો બાકી છે ત્યાં આ માવઠું થયું છે. નુકસાન છે. ખેડૂતોની માઠી દશા છે. હવે પાક પદ્ધતિ, ઋતુચક્ર જેવી બાબતે વિજ્ઞાની દૃષ્ટિકોણથી વિચારવું પડશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક