• શનિવાર, 21 માર્ચ, 2026

મોંઘવારી ભડકવાનો પહેલો સંકેત : પ્રીમિયમ પેટ્રોલ, ઈન્ડસ્ટ્રીયલ ડીઝલ મોંઘા

પ્રીમિયમ પેટ્રોલનાં ભાવમાં 2.35 અને ઔદ્યોગિક ડીઝલમાં 22 રૂપિયાનો ભારેખમ વધારો

નવીદિલ્હી,તા.20: ઈરાન-અમેરિકા અને ઈઝરાયલનાં યુદ્ધનાં હિસાબે ભારતમાં એલપીજીની તંગીનાં રૂપમાં ઈંધણનાં પુરવઠામાં પહેલી અસર વર્તાઈ હતી અને હવે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં પણ પહેલીવાર આ સંકટનો પહેલો આફ્ટર શોક આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પ્રીમિયમ પેટ્રોલનાં ભાવમાં 2.35 રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ ડીઝલ 22 રૂપિયા પણ મોંઘું થઈ ગયું છે. જે આવનારા સમયમાં મોંઘવારી ભડકવાનાં પહેલા સંકેત બરાબર છે.

આઈઓસી દ્વારા ઔદ્યોગિક ડીઝલનાં ભાવને 87.67 રૂપિયાથી વધારીને 109.59 રૂપિયા પ્રતિ લીટર કરી નાખવામાં આવ્યો છે. આમ, ઔદ્યોગિક વપરાશનાં ડીઝલમાં એક સામટે 22 રૂપિયાનાં ભારેખમ વધારાનાં પગલે ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ અને વીજળી ઉત્પાદનની પડતર પણ પ્રભાવિત થવાનું નક્કી છે. એટલે કે હવે મોંઘવારી આમઆદમીને દઝાડવા માટે તૈયાર થઈ ગઈ છે.

પાવર અને સ્પીડ જેવા પ્રીમિયમ શ્રેણીનાં પેટ્રોલનાં ભાવમાં 2.09 રૂપિયા વધારો થયો છે. એટલે કે દેશનાં ઘણાં શહેરોમાં પહેલા પ્રીમિયમ પેટ્રોલનો ભાવ 111.68 રૂપિયા હતો એ હવે વધીને 113.77 રૂપિયા થયો છે.

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઊર્જાનાં માળખાઓ ઉપર હુમલા કરવામાં આવ્યા છે. જેના હિસાબે ક્રૂડ ઓઈલનાં ભાવમાં આગ લાગી ગઈ છે. ગુરુવારે ક્રૂડ ઓઈલનો ભાવ એક તબક્કે 116 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો. જો કે ત્યારબાદ તેમાં થોડી નરમાશ જરૂર આવેલી અને આજે બ્રેંટ ક્રૂડ ઓઈલ 107 ડોલરની આસપાસ છે.

ઈન્ડસ્ટ્રીયલ ડીઝલનો ઉપયોગ સાધારણ વાહનોમાં થતો નથી બલ્કે ફેક્ટરી અને કારખાનાઓમાં વપરાય છે. તે જથ્થાબંધ વેંચાતું હોય છે. આ ડીઝલમાં કોઈ સબસિડી પણ હોતી નથી. ફેક્ટરી, શોપિંગ મોલ, ડેટા સેન્ટર અને મોટી ઈમારતોમાં વીજળીનાં જનરેટરમાં આ ડીઝલનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જેસીબી, બુલડોઝર, માળખાગત પ્રોજેક્ટમાં વપરાતા ભારે મશીનમાં પણ ઔદ્યોગિક ડીઝલ વપરાતું હોય છે. આમ, તેની અંતિમ અસર તો સામાન્ય નાગરિકો ઉપર જ આવવાની છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક